- ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ
- પ્રેક્ટિસ સેશન બાદ રોહિત શર્માએ આપ્યું નિવેદન
- હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન
IPL 2024માં બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રવિવાર 24 માર્ચે રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાસ્તવમાં, IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવ્યો હતો. જે બાદ હવે રોહિત શર્મા પણ આ ટૂર્નામેન્ટમાં હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં રમતા જોવા મળશે.
મેચ પહેલા રોહિતનું નિવેદન
અમદાવાદમાં ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ કર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે મારા માટે તૈયારી હંમેશા મહત્વની રહી છે અને તે મને કોઈપણ રમત પહેલા ઘણો આત્મવિશ્વાસ આપે છે. હું રમત પહેલા ઘણી વસ્તુઓ કરું છું. મેં હવે લગભગ બધું જ કરી લીધું છે.” નવા ખેલાડીઓ વિશે રોહિતે કહ્યું કે હરાજીમાં ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો, નવા ચહેરા, યુવા ખેલાડીઓ, જેમણે સ્થાનિક ક્રિકેટ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. હું તેની રાહ જોઈ રહ્યો છું અને આશા રાખું છું કે તે શરૂઆતથી સારૂ પ્રદર્શન કરશે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં શાનદાર પ્રદર્શન કરવા માટે તૈયાર છે. હાર્દિક પંડ્યા તેની જૂની ટીમનો સામનો કરશે, જેને હાર્દિકે તેની કેપ્ટન્સીમાં પહેલી જ સિઝનમાં IPL ચેમ્પિયન બનાવી હતી. બીજી તરફ રોહિત શર્મા 11 વર્ષ બાદ નોન-કેપ્ટન તરીકે ફ્રેન્ચાઇઝી માટે પોતાની પ્રથમ મેચ રમવા માટે તૈયાર છે. રોહિત શર્માએ કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સને 5 વખત IPLમાં ચેમ્પિયન બનાવ્યું છે.
હાર્દિકને કેપ્ટન બનાવ્યા બાદ નવી ચર્ચા છેડાઈ
રોહિત શર્માને સુકાનીપદેથી હટાવીને હાર્દિક પંડ્યાને ટીમનો નવો કેપ્ટન બનાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ સિવાય સોશિયલ મીડિયા પર પણ આને લઈને ઘણી ચર્ચા થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયથી કેટલાક ચાહકો હજુ પણ નારાજ છે. પરંતુ હવે આ વિવાદનો મહદઅંશે અંત આવ્યો છે. મેચ પહેલા પ્રેક્ટિસ સેશન દરમિયાન રોહિત અને હાર્દિક ગળે મળતા જોવા મળ્યા હતા.