• હાર્દિક ઈજા બાદ કોઈપણ મેચમાં સંપૂર્ણ 4 ઓવર પણ ફેંકી શક્યો નથી
  • બોલિંગમાં લય દેખાતી નથીઃ એડમ ગિલક્રિસ્ટ
  • કેપ્ટન હોવાને કારણે તે પડકાર લેવા તૈયાર છે હાર્દિક

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈજામાંથી સાજા થયા બાદ IPL 2024માં પુનરાગમન કર્યું હતું. જોકે ઈજામાંથી પરત ફર્યા બાદ હાર્દિકનું ફોર્મ પહેલા જેવું દેખાઈ રહ્યું નથી. હાર્દિક ખાસ કરીને બોલિંગમાં ઘણો સંઘર્ષ કરતો જોવા મળે છે. હાર્દિક અત્યાર સુધીની કોઈપણ મેચમાં સંપૂર્ણ 4 ઓવર પણ ફેંકી શક્યો નથી. જે બાદ હાર્દિકની ફિટનેસને લઈને ચાહકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. હવે એક પૂર્વ દિગ્ગજ ક્રિકેટરે પણ પંડ્યાની ફિટનેસ પર મોટો સવાલ ઉઠાવ્યો છે.

હાર્દિકની ફિટનેસ પર ઉઠ્યા સવાલ

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એડમ ગિલક્રિસ્ટે હાર્દિકની ફિટનેસ વિશે કહ્યું કે બોલિંગ કરતી વખતે હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ દેખાતો નથી. તેની ફિટનેસ પર શંકા છે. કારણ કે તેની બોલિંગમાં લય દેખાતી નથી જેના કારણે તેની બોલિંગ એકદમ વેરવિખેર દેખાય છે. જો કે, તેના વિશે સકારાત્મક બાબત એ છે કે કેપ્ટન હોવાને કારણે તે પડકાર લેવા તૈયાર છે. હાર્દિકે પ્રથમ ત્રણ મેચમાં બોલિંગ કરી હતી. આ પછી પંડ્યાએ બે મેચમાં એકપણ ઓવર ફેંકી ન હતી, જ્યારે તે ફરીથી CSK સામે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. એડમ ગિલક્રિસ્ટ પહેલા ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર સિમોન ડોલે પણ હાર્દિક પંડ્યાને અનફિટ ગણાવ્યો હતો.

હાર્દિકની ફિટનેસે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધાર્યું

ODI વર્લ્ડ કપ 2023 દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો, જેના પછી તેને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. હવે ઈજા બાદ હાર્દિકે આઈપીએલમાં વાપસી કરી છે, પરંતુ તેના પ્રદર્શનને જોતા તે ફિટ જણાતો નથી. IPL 2024 બાદ ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2024માં રમતી જોવા મળશે. આવી સ્થિતિમાં, જો હાર્દિક સંપૂર્ણ રીતે ફિટ થયા પછી તેના ફોર્મમાં પરત ફરવા સક્ષમ નથી, તો ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી શકે છે. કારણ કે ટીમના બીજા સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પણ હાલમાં જ સર્જરી કરાવી છે. શમી ક્યારે મેદાનમાં પરત ફરશે અને ટીમ ઈન્ડિયા સાથે જોડાશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

  • Follow us on: