- હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન
- MIએ રોહિત શર્મા પાસેથી કેપ્ટનશીપ છીનવી
- હાર્દિક પંડ્યાના એક ડાયલોગનો વીડિયો વાયરલ
જ્યારથી હાર્દિક પંડ્યાને IPL 2024 માટે મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી હાર્દિક પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે ફરી એકવાર હાર્દિક પંડ્યા તેના એક નિવેદનના કારણે ચર્ચામાં આવ્યો છે. જેમાં હાર્દિકને એવું કહેતા સાંભળી શકાય છે કે જે રિશ્તે મે તો હમ તુમ્હારે કેપ્ટન લગતે હૈ નામ પંડયા. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ હવે ચાહકોના મનમાં વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. પ્રશંસકો આશ્ચર્યમાં છે કે હાર્દિક પંડ્યા તેના નિવેદનથી કોની તરફ ઈશારો કરી રહ્યો છે.
હાર્દિકે કેમ બોલ્યો આ ડાયલોગ?
વાસ્તવમાં, હાર્દિક પંડ્યાએ આ ડાયલોગ સ્ટાર એક શો દરમિયાન કહ્યો હતો. શો દરમિયાન જ્યારે એન્કરે હાર્દિક પંડ્યાને તેના જન્મદિવસ વિશે પૂછ્યું તો શોમાં બેઠેલા એક પ્રશંસકે કહ્યું કે હાર્દિકનો જન્મદિવસ 11 ઓક્ટોબરે છે. તે જ સમયે, 11 ઓક્ટોબરના રોજ, બિગ બી એટલે કે મેગાસ્ટાર અભિતાભ બચ્ચનનો જન્મદિવસ પણ આવે છે. તેના પર એક ચાહકે હાર્દિકને અમિતાભ બચ્ચનનો કોઈપણ ડાયલોગ પોતાની રીતે બોલવા કહ્યું હતું. જે બાદ હાર્દિક પંડ્યાએ અમિતાભ બચ્ચનની ફિલ્મનો એક ડાયલોગ પોતાની રીતે બોલ્યો હતો. જેમાં હાર્દિકે કહ્યું હતું કે, 'રિશ્તે મે તો હમ તુમ્હારે કેપ્ટન લગતે હૈ નામ પંડયા.' હાર્દિકે આ ડાયલોગથી કોઈને નિશાન બનાવ્યા નથી.
IPL 2024માં કેપ્ટન્સી કરશે
હાર્દિક પંડ્યા ODI વર્લ્ડકપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. જે બાદ હાર્દિકને આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ત્યારથી હાર્દિક ટીમ ઈન્ડિયાની બહાર છે. IPL 2024 ની હરાજી પહેલા, હાર્દિક પંડ્યા ગુજરાત ટાઇટન્સ તરફથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં પાછો ફર્યો હતો. જે બાદ મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સનો નવો કેપ્ટન બનાવ્યો હતો.
જે બાદ મુંબઈ ઈન્ડિયન્સના આ નિર્ણયની ઘણી ટીકા થઈ હતી. રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ ચાહકો ખૂબ જ નારાજ જોવા મળ્યા હતા. હાલમાં પણ સોશિયલ મીડિયા પર ચાહકો વચ્ચે રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાને લઈને ચર્ચા ચાલી રહી છે. હવે હાર્દિક પંડ્યા IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળશે.