- IPL 2024માં અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે
- આ સિઝનમાં મોંઘા ખેલાડીઓ લીગમાં નિષ્ફળ રહ્યા
- સસ્તા ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી છાપ છોડી
IPL 2024માં અત્યાર સુધીમાં 11 મેચ રમાઈ છે. આ દરમિયાન ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. કેટલાક મોંઘા ખેલાડીઓ લીગમાં નિષ્ફળ રહ્યા છે, તો કેટલાક સસ્તા ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી છાપ છોડી છે. હરાજીમાં ઓછા પૈસા મેળવનાર આ ખેલાડીઓ હવે 17મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેલાડીઓમાં લખનૌ સુપર જાયન્ટ્સના મયંક યાદવ અને ચેન્નાઈ સુપર કિંગ્સના રચિન રવિન્દ્ર, દિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલ અને રમનદીપ સિંહનો સમાવેશ થાય છે.
મયંક યાદવ
IPL 2024ની 11મી મેચમાં શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો પંજાબ કિંગ્સ સામે થયો હતો. આ મેચમાં ફાસ્ટ બોલર મયંક યાદવે એલએસજી તરફથી ડેબ્યૂ કર્યું હતું. મયંકની સ્પીડનો કહેર ડેબ્યુ મેચમાં જ જોવા મળ્યો હતો. મયંક યાદવે તેની 4 ઓવરમાં 6.8ની ઈકોનોમીથી માત્ર 27 રન આપીને 3 મહત્વની સફળતાઓ હાંસલ કરી હતી. મયંકે પંજાબના ટોપ ઓર્ડર બોલરોની વિકેટ લીધી હતી. ફાસ્ટ બોલરે જોની બેયરસ્ટો, પ્રભસિમરન સિંહ અને વિકેટકીપર જીતેશ શર્માને પોતાનો શિકાર બનાવ્યો હતો. LSGએ મયંકને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. ઈજાના કારણે તે ગત સિઝનમાં રમ્યો ન હતો.
રચિન રવિન્દ્ર
IPL 2024 પહેલા યોજાયેલી મીની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રચિન રવિન્દ્રને સસ્તા ભાવે સામેલ કર્યો હતો. વર્લ્ડકપ 2023માં રચિનના પ્રદર્શનને જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેને હરાજીમાં મોટી રકમ મળશે. જોકે, CSKએ રચિનને માત્ર 1.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. IPL 2024માં, રચિન CSKના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ સાથે ઇનિંગની શરૂઆત કરી રહ્યો છે. તેણે અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં 83 રન બનાવ્યા છે. RCB સામેની પ્રથમ મેચમાં રચિને 15 બોલમાં 37 રન બનાવ્યા હતા અને GT સામે તેણે 20 બોલમાં 46 રન બનાવ્યા હતા.
અભિષેક પોરેલ
IPL 2024 ની બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સના યુવા બેટ્સમેન અભિષેક પોરેલે 320ના સ્ટ્રાઈક રેટથી 10 બોલમાં અણનમ 32 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી 4 ફોર અને 2 સિકસર ફટકારી હતી. RR સામે તે માત્ર 9 રન જ બનાવી શક્યો હતો. દિલ્હીએ અભિષેકને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.
રમનદીપ સિંહ
લીગની ત્રીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સના મિડલ ઓર્ડર બેટ્સમેન રમનદીપ સિંહે 17 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 ફોર ઉપરાંત 4 સિક્સર પણ ફટકારી હતી. KKR એ રમનદીપ સિંહને માત્ર 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.