- ઈંગ્લેન્ડના વિલ જેક્સે SA T20 લીગમાં ધૂમ મચાવી
- IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ વિલ જેક્સ
- SA T20 લીગમાં જેક્સે માત્ર 41 બોલમાં સદી ફટકારી
ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમનો ભાગ વિલ જેક્સ શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેન્ડના આ સ્પિન ઓલરાઉન્ડરે સાઉથ આફ્રિકામાં રમાઈ રહેલી T20 લીગમાં ધૂમ મચાવી દીધી છે. ગુરુવારે રાત્રે રમાયેલી મેચમાં વિલ જેક્સે માત્ર 41 બોલમાં સદી ફટકારી હતી. જેકે તેની સદીની ઇનિંગમાં 8 ફોર અને 9 સિકસર ફટકારી હતી. આ સિવાય આ ઓલરાઉન્ડર ખેલાડીએ બે વિકેટ પણ લીધી હતી.
વિલ જેક્સની તોફાની ઈનિંગ
વિલ જેક્સ, જે સાઉથ આફ્રિકાની T20 લીગ એટલે કે SA T20 લીગમાં ભારતીય ફ્રેન્ચાઇઝી પ્રિટોરિયા કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે, તે IPLમાં RCB ટીમનો એક ભાગ છે. જોકે વિલ જેક્સ ઈજાને કારણે ગત સિઝનમાં રમ્યો ન હતો, પરંતુ ઈંગ્લેન્ડના આ ખેલાડીની પ્રતિભા જોઈને વિરાટ કોહલીની ટીમે તેને જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો.
હવે વિલ જેક્સ IPL 2024માં આરસીબી તરફથી રમતા જોવા મળશે. તે ટોપ ઓર્ડર પ્લેયર છે અને ઓપનિંગ અથવા ત્રીજા નંબર પર બેટિંગ કરી શકે છે. વિલ જેક્સ તોફાની બેટિંગની સાથે સ્પિન બોલિંગ પણ કરે છે. તેને T20 ફોર્મેટમાં નિષ્ણાત ખેલાડી માનવામાં આવે છે.
વિલ જેક્સે તેની ટીમને જીત તરફ દોરી
ગુરુવારે રાત્રે, સાઉથ આફ્રિકા T20 લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝી ડરબન જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝ પ્રિટોરિયા કેપિટલ્સ વચ્ચે મેચ હતી. વિલ જેક્સે શાનદાર ઇનિંગ રમીને તેની ટીમ પ્રિટોરિયા કેપિટલ્સને 17 રનથી જીત અપાવવામાં મદદ કરી હતી. તોફાની સદી ફટકારવા ઉપરાંત વિલ જેક્સે 3 ઓવરમાં 18 રન આપીને બે વિકેટ પણ લીધી હતી. વિલ જેક્સની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં ડરબન જાયન્ટ્સની ટીમ નિર્ધારિત ઓવરમાં 7 વિકેટે 187 રન જ બનાવી શકી હતી. આ રીતે પ્રિટોરિયા કેપિટલ્સનો 17 રને વિજય થયો હતો.