- રાજસ્થાન રોયલ્સ અને RCB વચ્ચે એલિમિનેટર મેચ રમાશે
- વિરાટ કોહલીએ 243 ઈનિંગ્સમાં IPLમાં 7971 રન બનાવ્યા છે
- વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનારો બેટ્સમેન
IPL 2024માં 22 મેના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ સિઝનમાં RCBની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમ પ્રથમ 8 મેચમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી હતી પરંતુ ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી દરેક મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો. વિરાટ IPL 2024માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે અને તે ઓરેન્જ કેપ હોલ્ડર પણ છે. હવે એલિમિનેટર મેચમાં કોહલી ઈતિહાસ રચવાના ઉંબરે ઉભો છે.
IPLના 8000 રન પૂરા કરશે કોહલી!
વિરાટ કોહલી IPLની શરૂઆતથી જ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો છે. કોહલી ઘણા વર્ષો સુધી ટીમનું સુકાની પણ રહ્યો છે. IPLના ઈતિહાસમાં કોહલીએ અત્યાર સુધી 251 મેચની 243 ઈનિંગ્સમાં 7971 રન બનાવ્યા છે. હાલમાં, કોહલી IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. કોહલી હવે IPLમાં પોતાના 8 હજાર રન પૂરા કરવાથી 29 રન દૂર છે. જો કોહલી એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે 29 રન બનાવશે તો તે IPLમાં 8 હજાર રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની જશે.
IPLમાં અત્યાર સુધી કોઈ બેટ્સમેન આ સિદ્ધિ હાંસલ કરી શક્યો નથી. વિરાટ કોહલીએ IPLમાં 8 સદી અને 50 ફિફ્ટી ફટકારી છે. આ સિવાય તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 113 રન રહ્યો છે. IPLના ઈતિહાસમાં કોહલીએ 702 ફોર અને 271 સિક્સ ફટકારી છે.
IPL 2024માં કોહલીનું પ્રદર્શન
IPL 2024માં વિરાટ કોહલી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ સિઝનમાં કોહલીએ સદી પણ ફટકારી છે. અત્યાર સુધી 14 મેચોમાં કોહલીએ 155ના સ્ટ્રાઈક રેટથી 708 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 59 ફોર અને 37 સિક્સ ફટકારી છે. હવે ટીમ એલિમિનેટર મેચમાં કોહલી પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.