- RCBએ CSKને હરાવીને પ્લેઓફમાં કર્યું ક્વોલિફાય
- બેંગલુરુએ 22 મેના રોજ એલિમિનેટર મેચ રમવાની છે
- પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે ટક્કર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ચોથા સ્થાને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. હવે બેંગલુરુએ 22 મેના રોજ એલિમિનેટર મેચ રમવાની છે. આ મેચ અમદાવાદના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પોઈન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા ક્રમે ક્વોલિફાઈ કરનાર ટીમો વચ્ચે એલિમિનેટર મેચો રમાય છે. બેંગલુરુ ચોથા સ્થાને ક્વોલિફાય થયું છે, ત્રીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સમાંથી એક ટીમ ક્વોલિફાય થવા જઈ રહી છે. જે ટીમ ત્રીજા સ્થાને રહેશે તે RCB સામે એલિમિનેટર મેચ રમશે.
RCBને કોની સામે રમવાથી ફાયદો?
RCB અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે IPLમાં કુલ 31 મેચ રમાઈ છે, જેમાંથી બેંગલુરુએ 15 મેચ જીતી છે, જ્યારે રાજસ્થાન માત્ર 13 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બીજી તરફ RCB અને હૈદરાબાદ વચ્ચે IPLમાં કુલ 25 મેચ રમાઈ છે. જેમાંથી RCB માત્ર 11 મેચ જીતી શકી છે જ્યારે હૈદરાબાદ 13 મેચ જીતી શકી છે. આંકડા દર્શાવે છે કે રાજસ્થાન સામે RCBનો રેકોર્ડ સારો છે. આવી સ્થિતિમાં, જો એલિમિનેટર મેચમાં બેંગલુરુ રાજસ્થાન સામે ટકરાશે તો તે RCB માટે ફાયદાકારક રહેશે.
પ્લેઓફમાં હૈદરાબાદનું સમીકરણ
પ્લેઓફમાં કઈ ટીમ ત્રીજા સ્થાને ક્વોલિફાય થશે તે આજની મેચમાં નક્કી થશે. સુપર સન્ડે નિમિત્તે આજે બે મેચ યોજાવા જઈ રહી છે. પ્રથમ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે બપોરે 3.30 કલાકે રમાશે. હૈદરાબાદ હાલમાં 13માંથી 7 મેચ જીતીને 15 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. જો હૈદરાબાદ આ મેચ જીતે છે, તો તે 14માંથી 8 મેચ જીતીને 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી જશે અને રાજસ્થાન બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને સરકી જશે.
પ્લેઓફમાં રાજસ્થાનનું સમીકરણ
સુપર સન્ડેની બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. હાલમાં રાજસ્થાન 13માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. જો રાજસ્થાન આ મેચ જીતે છે, તો તે 14માંથી 9 મેચ જીતીને ફરીથી 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી જશે. જો રાજસ્થાન આજની મેચ જીતી જશે તો હૈદરાબાદની જીત કે હારથી કોઈ ફરક પડશે નહીં અને તે બીજા સ્થાને રહેશે. પરંતુ જો હૈદરાબાદ આજની મેચ જીતી જાય તો પણ બીજા સ્થાને ક્વોલિફાય થવા માટે તેણે રાજસ્થાનની હારની રાહ જોવી પડશે.