- IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે
- હરાજી માટે કુલ 333 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
- શાકિબ અલ હસને IPLની હરાજીમાં નામ ન નોંધાવ્યું
IPL 2024ની હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં યોજાશે. આ હરાજી માટે કયા ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. IPLની હરાજી માટે કુલ 333 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા છે, પરંતુ તેમાંથી માત્ર 77 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવે તેવી શક્યતા છે. IPLની હરાજી માટે 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓેએ પોતાના નામ આપ્યા છે, પરંતુ બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસનનું નામ આ યાદીમાં સામેલ નથી. જેનું કારણ ખુદ શાકિબ અલ હસને જણાવ્યું છે.
શું શાકિબ આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાંથી નિવૃતિ લેશે?
IPL 2024ની હરાજી પહેલા બાંગ્લાદેશના ખેલાડી શાકિબ અલ હસનનું નામ ન હોવું એ ચર્ચાનો વિષય છે. ક્રિકેટ ફેન્સ જાણવા માંગે છે કે શાનદાર ફોર્મમાં રહેલા શાકિબે પોતાનું નામ કેમ નથી આપ્યું. તે લાંબા સમયથી કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે સંકળાયેલો હતો. IPL સિવાય શાકિબે પણ પોતાની નિવૃત્તિ અંગે નિવેદન આપ્યું છે. ખેલાડીએ કહ્યું કે અત્યારે હું બાંગ્લાદેશ માટે મેચ રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. મારી યોજના છે કે મારો બધો સમય માત્ર રાષ્ટ્રીય સ્તરની રમત માટે જ ફાળવવો છે. શાકિબે વધુમાં કહ્યું કે હું ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમું છું, હું ભવિષ્યમાં પણ મારી રમત ચાલુ રાખવા માંગુ છું. આનાથી સ્પષ્ટ થાય છે કે શાકિબે હજુ નિવૃત્તિ વિશે વિચાર્યું નથી.
PSLમાંથી પણ નામ પાછું ખેંચી લીધું
ICC વર્લ્ડ કપ 2023 દરમિયાન શાકિબને આંગળીમાં ઈજા થઈ હતી, ત્યારથી કેપ્ટન આરામ લઈ રહ્યો છે. શાકિબે કહ્યું કે મને સાજા થવામાં હજુ 2 અઠવાડિયા લાગશે. મને લાગતું હતું કે હું જલ્દી સાજો થઈ જઈશ, પરંતુ ડોક્ટરે મને આરામ કરવાની સલાહ આપી છે. શાકિબે વધુમાં કહ્યું કે હું ODI અને T20 સીરીઝ માટે ન્યુઝીલેન્ડ જવા માંગુ છું, જો હું સાજો થઈશ તો આ સીરીઝનો ભાગ બનીશ. શાકિબ અલ હસને માત્ર IPLમાંથી જ નહીં પરંતુ પાકિસ્તાન પ્રિમિયર લીગ (PSL)માંથી પણ પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.