- IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો
- શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગા IPLમાંથી બહાર
- શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ BCCIને પત્ર લખીને કરી જાણ
IPL 2024માં આ વખતે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ ઘણી મજબૂત દેખાઈ રહી છે. ખાસ કરીને ટીમની બેટિંગ ઘણી ખતરનાક બની રહી છે. આ ટૂર્નામેન્ટમાં સનરાઈઝર્સે IPL ઈતિહાસનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો છે. અત્યાર સુધીમાં હૈદરાબાદ આ ટૂર્નામેન્ટમાં 4 મેચ રમી છે જેમાં ટીમ 2 જીતી છે અને 2 હારી છે. તેની છેલ્લી મેચમાં હૈદરાબાદે 5 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું હતું. હવે સનરાઇઝર્સ હૈદરાબાદને મોટો ફટકો પડ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડરે IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે.
આ ખેલાડીએ પોતાનું નામ પાછું ખેંચ્યું
IPL 2024ની હરાજીમાં, સનરાઇઝર્સ હૈદરાબાદે શ્રીલંકાના સ્ટાર ઓલરાઉન્ડર વાનિંદુ હસરંગાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. પરંતુ હસરંગા હજુ સુધી ટીમ સાથે જોડાયેલો નહોતો. જે બાદ હવે સમાચાર સામે આવ્યા છે કે હસરંગાએ IPL 2024માંથી પોતાનું નામ પાછું ખેંચવું પડ્યું છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ BCCIને પત્ર લખીને કહ્યું છે કે હસરંગાને ટૂર્નામેન્ટમાંથી કેમ બહાર થવું પડ્યું?
શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ કરી જાણ
શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ BCCIને પત્ર લખીને કહ્યું છે કે 26 વર્ષીય ખેલાડીને તેના ડાબા પગની ઘૂંટણમાં ઈજાના કારણે વાપસી કરવા માટે આરામ કરવો પડશે અને તે સિઝન માટે ઉપલબ્ધ રહેશે નહીં. રિપોર્ટ અનુસાર, તેમને એક નિષ્ણાત દ્વારા દુબઈમાં સાવચેતીના પગલા તરીકે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. પ્લેયરના મેનેજર શ્યામે કહ્યું, “હું એવું માનું છું. શ્રીલંકા ક્રિકેટે BCCIને પત્ર લખીને તેની અનુપલબ્ધતા અંગે જાણ કરી છે. તે તબીબી સલાહ માટે દુબઈ ગયો હતો અને ત્યાં ત્રણ દિવસ રોકાયો હતો. વર્તમાન પરિસ્થિતિને જોતા નિષ્ણાત સલાહ આપે છે કે તેણે આ સિઝનમાં IPLમાં ભાગ લેવાને બદલે આરામ કરવો જોઈએ.
હસરંગાનું IPLમાં શાનદાર પ્રદર્શન
હસરંગાનું IPL 2022 ખૂબ જ શાનદાર હતું. આ સિઝનમાં RCB તરફથી રમતા હસરંગાએ 26 વિકેટ લીધી હતી. જે બાદ આઈપીએલ 2023 હસરંગા માટે કંઈ ખાસ નહોતું, ત્યારબાદ RCBએ IPL 2024ની હરાજી પહેલા હસરંગાને રિલીઝ કરી દીધો હતો. જ્યારે IPL 2024ની હરાજીમાં હસરંગાને સનરાઇઝર્સ હૈદરાબાદે 1.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.