- IPLના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા હરાજીનું ટીઝર શેર કરવામાં આવ્યું
- કુલ 333 ખેલાડીઓએ આઈપીએલ 2024ની હરાજી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું
- રચિન રવિન્દ્ર આ વખતે પહેલીવાર IPLમાં ભાગ લઈ શકે છે
હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024) માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. 19મી ડિસેમ્બરે દુબઈમાં ખેલાડીઓ માટે હરાજી થવા જઈ રહી છે. જેને લઈને આજે IPLના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા હરાજીનું ટીઝર શેર કરવામાં આવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે IPL ટ્રોફી હવે દુબઈ પહોંચી ગઈ છે. IPL 2024 ની હરાજી સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં કોકા-કોલા એરેના ખાતે યોજાશે.
આ પહેલીવાર છે જ્યારે આઈપીએલની હરાજી ભારતની બહાર વિદેશમાં થઈ રહી છે. ગત વર્ષે પણ આવા સમાચાર સામે આવ્યા હતા જ્યારે BCCIએ IPLની હરાજી ઈસ્તાંબુલમાં યોજવાનું નક્કી કર્યું હતું પરંતુ પછી BCCIએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો હતો.
IPL 2024ની હરાજી માટે 333 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું
આ વખતે ભારત અને વિદેશના કુલ 333 ખેલાડીઓએ આઈપીએલ 2024ની હરાજી માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 333માંથી 214 ખેલાડીઓ ભારતીય છે. આ સિવાય આ 333 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓની હરાજીમાં બોલી લગાવવામાં આવનાર છે. 333 ખેલાડીઓમાંથી 23 ખેલાડીઓ એવા છે જેમની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે. ઘણા એવા ખેલાડીઓ હશે જેમની પ્રથમ વખત બોલી લગાવવામાં આવશે અને ઘણા એવા ખેલાડીઓ હશે જેમને ફ્રેન્ચાઇઝીસ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. આ વખતે IPL 2024ની હરાજીની હોસ્ટ મલ્લિકા સાગર હશે.
આ ખેલાડીઓ પર હશે ફ્રેન્ચાઇઝીની નજર
આ વખતે હરાજીમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમના પર તમામ ફ્રેન્ચાઇઝી જોરદાર બોલી લગાવશે. જેમાં ન્યૂઝીલેન્ડના રચિન રવિન્દ્ર, ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને વાનિંદુ હસરંગા જેવા ખેલાડીઓ સામેલ છે. રચિન રવિન્દ્ર આ વખતે પહેલીવાર IPLમાં ભાગ લઈ શકે છે. તેણે ODI વર્લ્ડ કપ 2023માં પોતાની શાનદાર બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા.
જે બાદ IPL ફ્રેન્ચાઇઝીની નજર તેના પર ટકેલી છે. આ સિવાય ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક 8 વર્ષ બાદ IPLમાં વાપસી કરવા જઈ રહ્યો છે. મિચેલ સ્ટાર્કે તેની છેલ્લી આઈપીએલ સિઝન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી હતી. આવી સ્થિતિમાં ફરી એકવાર આરસીબીની નજર સ્ટાર્ક પર હશે.