- પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું
- આ મેચમાં અર્શદીપ સિંહે પાંચ વિકેટ લીધી
- અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો
જોહાનિસબર્ગમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવ્યું હતું. આફ્રિકન બેટ્સમેનો ભારતીય બોલરોની સામે રન બનાવવામાં મુશ્કેલી અનુભવતા જોવા મળ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકા 27.3 ઓવરમાં માત્ર 116 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
આના જવાબમાં ભારતીય ટીમે 117 રનનો ટાર્ગેટ 16.4 ઓવરમાં મેળવી લીધો હતો. ભારતે 200 બોલ બાકી રહેતા પ્રથમ વનડે જીતી લીધી હતી. પ્રથમ મેચમાં સાઈ સુદર્શન 55 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. શ્રેયસ અય્યરે 52 રનની ઇનિંગ રમી હતી.
આ મેચમાં અર્શદીપ સિંહે પાંચ વિકેટ લીધી હતી અને તેને મેચ બાદ તેના પ્રદર્શનનું ઈનામ મળ્યું હતું. પ્રથમ વનડે બાદ અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો જાણીએ કે અર્શદીપે તેના શાનદાર પ્રદર્શનનો શ્રેય કોને આપ્યો?
અર્શદીપે કેએલ રાહુલને આપી ક્રેડિટ
પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમના યુવા ઝડપી બોલર અર્શદીપ સિંહને પ્લેયર ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. અર્શદીપને તેના જોરદાર પ્રદર્શન માટે આ એવોર્ડ મળ્યો હતો. તેણે આ શાનદાર પ્રદર્શનનો શ્રેય કેપ્ટન કેએલ રાહુલને આપ્યો. તેણે કહ્યું કે હું રાહુલ ભાઈનો આભાર માનવા માંગુ છું, જેમણે કહ્યું કે તમારે મજબૂત કમબેક કરવા વિશે વિચારવું પડશે અને પાંચ વિકેટ લેવાનું લક્ષ્ય રાખવું પડશે. હું આ ક્ષણ માણી રહ્યો છું. હું ભગવાન અને ટીમ મેનેજમેન્ટનો આભાર માનું છું.
અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો
તમને જણાવી દઈએ કે અર્શદીપ સિંહ દક્ષિણ આફ્રિકાની ધરતી પર ODIમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે. તેના પહેલા વર્ષ 2018માં આ કામ યુઝવેન્દ્ર ચહલે કર્યું હતું, જેણે 22 રનમાં 5 વિકેટ લીધી હતી. ચહલ પહેલા આશિષ નેહરાએ 2003માં ડરબનમાં ઈંગ્લેન્ડ સામે 23 રન આપીને 6 વિકેટ લીધી હતી. આ સાથે અર્શદીપ સિંહે દક્ષિણ આફ્રિકાની ધરતી પર ઈતિહાસ રચ્યો હતો. અર્શદીપ ભારત તરફથી એકમાત્ર ઝડપી બોલર બની ગયો છે જેણે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ તેમની ધરતી પર ODIમાં 5 વિકેટ લીધી છે.