- કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સતત 10 જીત
- આફ્રિકાને હરાવીને ભારતે સિરીઝમાં 1-0થી લીડ મેળવી
- અર્શદીપ સિંહને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો
ટીમ ઈન્ડિયાએ વનડે સિરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને જીત સાથે શરૂઆત કરી છે. ભારતીય ટીમે પ્રથમ મેચ 8 વિકેટે જીતી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જીતનો હીરો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ રહ્યો હતો. જેણે મેચમાં 5 વિકેટ પોતાના નામે કરી હતી. વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન કેએલ રાહુલના હાથમાં છે. પ્રથમ મેચમાં જીત સાથે જ કેએલ રાહુલે પણ કેપ્ટન તરીકે એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
રાહુલ આ કારનામુ કરનાર પ્રથમ ભારતીય
પ્રથમ વનડે મેચમાં સાઉથ આફ્રિકાની ટીમ ગુલાબી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ સાઉથ આફ્રિકાની ટીમ ગુલાબી જર્સી પહેરીને મેદાનમાં ઉતરી છે, ત્યારે ODI ક્રિકેટમાં સાઉથ આફ્રિકાનો વિજય થયો છે. પરંતુ આજે કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને પિંક જર્સીમાં પણ હરાવ્યું છે. કેએલ રાહુલ પિંક જર્સીમા ODIમાં ભારતને જીત અપાવનાર પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે.
કેએલ રાહુલની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા સતત જીત
કેએલ રાહુલની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી 10 વનડે મેચો સતત જીતી છે. ટીમ ઈન્ડિયા જ્યારે પણ કેએલ રાહુલની કેપ્ટનશીપમાં રમી છે ત્યારે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. સાઉથ આફ્રિકા સામેની પ્રથમ વનડે જીત્યા બાદ ભારતે સિરીઝમાં પણ 1-0થી સરસાઈ મેળવી લીધી છે. હવે સિરીઝની બીજી મેચ 19 ડિસેમ્બરે રમાશે.
ભારતે સાઉથ આફ્રિકાને 116 રનમાં ઓલઆઉટ
પ્રથમ મેચમાં ભારતની બોલિંગ શાનદાર રહી હતી. જેના કારણે સાઉથ આફ્રિકાની આખી ટીમ 27.3 ઓવરમાં માત્ર 116 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે 5 અને અવેશ ખાને 4 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્શદીપ સિંહને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.