- વિરાટ કોહલીએ IPL 2024માં ઓરેન્જ કેપ કબજે કરી હતી
- IPL 2024માં 15 મેચોમાં 61.75ની એવરેજથી 741 રન બનાવ્યા
- વિરાટ બે ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
IPL 2024માં વિરાટ કોહલીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિરાટ કોહલીએ IPL 2024માં 15 મેચોમાં 61.75ની એવરેજ અને 154.69ની અદભૂત સ્ટ્રાઈક રેટથી કુલ 741 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ કબજે કરી હતી. વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં બે ઓરેન્જ કેપ જીતનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બન્યો છે. RCB IPL 2024માં ચોથા ક્રમે છે. પ્લેઓફ માટે ક્વોલિફાય થયેલી RCB એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હાર્યા બાદ બહાર થઈ ગઈ હતી. ત્યારે ટીમ ઈન્ડિયા અને ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ તેમના વિશે કેટલીક એવી ટિપ્પણીઓ કરી હતી, જેના માટે તે ખૂબ જ ટ્રોલ થયો હતો.
રાયડુએ વિરાટ અંગે આપ્યું નિવેદન
મેથ્યુ હેડન, કેવિન પીટરસન, અંબાતી રાયડુ અને મયંતી લેંગર RCBના પ્રદર્શન પર ચર્ચા કરી રહ્યા હતા, આ દરમિયાન રાયડુએ કંઈક કહ્યું, જેના પર કેવિન પીટરસન અને મયંતી લેંગરે તેને ફટકાર લગાવી હતી. રાયડુનું માનવું છે કે વિરાટ કોહલીએ તેનું સ્ટાન્ડર્ડ ઓછું કરવું જોઈએ, કારણ કે તેનાથી ટીમના યુવા ક્રિકેટરો પર વધુ પડતું દબાણ આવે છે. રાયડુએ કહ્યું, 'વિરાટ કોહલી તેમની ટીમનો દિગ્ગજ છે, તેણે એટલો ઊંચુ સ્ટાન્ડર્ડ બનાવ્યું છે કે ટીમના યુવા ખેલાડીઓ દબાણમાં આવી જાય છે. વિરાટે તેના સ્ટાન્ડર્ડને થોડો ઓછો કરવાની જરૂર છે, જેથી યુવા ખેલાડીઓ પર વધુ પડતું દબાણ ન આવે અને ડ્રેસિંગ રૂમની સ્થિતિ સારી રહે.
પીટરસને રાયડુની લગાવી ફટકાર
આના પર કેવિન પીટરસને રાયડુને અટકાવતા કહ્યું, ' ઉંચું સ્ટાન્ડર્ડ હોવુ સારી બાબત છે.' જેના પર રાયડુએ કહ્યું, હા પરંતુ તેનાથી યુવા ખેલાડીઓ પર દબાણ આવે છે. જેના પર મયંતી લેંગરે રજત પાટીદારનું ઉદાહરણ આપતા કહ્યું કે તેણે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું. આના પર રાયડુએ કહ્યું કે હા પણ વિરાટ કોહલી વિરાટ કોહલી છે અને રજત પાટીદાર રજત પાટીદાર છે. રાયડુનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ફેન્સ તેના વિશે વિવિધ ટીપ્પણી કરી રહ્યા છે.