- IPL બાદ ચાહકો ફરી એકવાર T 20 ક્રિકેટના રોમાંચ માટે તૈયાર છે
- અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T-20 વર્લ્ડકપ રમાશે
- ડિઝની પ્લસ હોટસ્ટાર પર ફ્રિમાં જોઇ શકશો મેચ
IPL બાદ ચાહકો ફરી એકવાર T 20 ક્રિકેટના રોમાંચ માટે તૈયાર છે. અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T-20 વર્લ્ડકપ શરૂ થવા જઈ રહ્યો છે. 2 જૂનથી શરૂ થઈ રહેલા વર્લ્ડકપ પહેલા ઘણી ટીમો વોર્મ-અપ મેચ રમશે. ટીમ ઈન્ડિયા માટે માત્ર એક જ વોર્મ-અપ મેચ હશે. ભારતીય ટીમ 1 જૂને બાંગ્લાદેશ સામે વોર્મ-અપ મેચ રમશે. આ પછી વર્લ્ડકપનો રોમાંચ શરૂ થશે. ચાલો જાણીએ કે ભારતીય ટીમનું શેડ્યૂલ શું છે અને વર્લ્ડકપની મેચો ક્યાં ફ્રિમાં જોઈ શકાય છે?
હોટસ્ટાર પર ફ્રીમાં જોઈ શકશો મેચ
ડિઝની પ્લસ હોટસ્ટારની મોબાઈલ એપ પર વર્લ્ડકપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, તે સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર ટીવી પર જોઈ શકાય છે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચ 1 જૂને રાત્રે 8 વાગ્યે રમાશે. ભારતીય ટીમની એકમાત્ર વોર્મ-અપ મેચ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટીમાં નવા બનેલા મોડ્યુલર સ્ટેડિયમમાં યોજાશે. આ પછી ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે. આ મેચ 5 જૂને રાત્રે 8 વાગ્યે રમાશે. ટીમ ઈન્ડિયાને ગ્રુપ Aમાં રાખવામાં આવી છે. જેમાં કેનેડા, આયર્લેન્ડ, પાકિસ્તાન અને અમેરિકા સામેલ છે.
ભારત-પાકિસ્તાન મેચ ક્યારે રમાશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચે 8મી જૂને શાનદાર મેચ રમાશે. આ પછી 12 જૂને યુએસએ અને 15 જૂને કેનેડા સામે મેચ રમાશે. ગ્રુપની તમામ ટીમો એકબીજા સામે રમશે. ઘણા ભારતીય ખેલાડીઓ વર્લ્ડકપ માટે અમેરિકા પહોંચી ચૂક્યા છે. જ્યારે કેટલાક ખેલાડીઓ બાદમાં જશે.
16 વોર્મ-અપ મેચો રમાશે
ICC મેન્સ ટી20 વર્લ્ડકપ 2024 અંતર્ગત 27 મેથી કુલ 16 પ્રેક્ટિસ મેચો રમાશે. મોટાભાગની ટીમો મુખ્ય સ્પર્ધા પહેલા બે પ્રેક્ટિસ મેચ રમશે. ન્યૂઝીલેન્ડે વોર્મ-અપ મેચો છોડવાનો નિર્ણય લીધો છે. જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પ્રેક્ટિસ મેચ છોડીને સીધા ટૂર્નામેન્ટમાં જશે. બંને ટીમો વચ્ચે ચાર મેચની T20 સિરીઝ રમાઈ રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકાએ ઈન્ટ્રા-સ્કવોડ મેચ રમવાનો નિર્ણય કર્યો છે.