મેગા ઓક્શન પહેલા આ વખતે ઘણા મોટા ખેલાડીઓને તેમની ટીમોએ બહાર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. જો કે, ત્રણ મોટા ખેલાડીઓને ટીમમાંથી નીકાળ્યા બાદ તેઓ ફરીથી જૂની ટીમમાં પરત ફરી શકે છે.
IPL 2025 મેગા ઓક્શન પહેલા તમામ 10 ટીમોની રીટેન્શન લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ વખતે તમામ ટીમો પાસે પોતપોતાના 6 ખેલાડીઓને જાળવી રાખવાનો વિકલ્પ હતો. જોકે, માત્ર બે ટીમોએ 6-6 ખેલાડીઓને જાળવી રાખ્યા છે. જે પછી બાકીની ટીમો હરાજીમાં તેમના રિલીઝ થયેલા ખેલાડીઓ માટે RTMનો ઉપયોગ કરી શકશે. ત્રણ મોટા ખેલાડીઓને નીકાળ્યા બાદ પણ તેઓ તેમની જૂની ટીમમાં પરત ફરી શકે છે.
1. અર્શદીપ સિંહ
આ વખતે પંજાબ કિંગ્સે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને છોડવાનો નિર્ણય કર્યો છે. જોકે ચાહકો માટે આ વાત થોડી ચોંકાવનારી હતી. અર્શદીપ લાંબા સમયથી પંજાબ માટે રમી રહ્યો હતો અને પંજાબ કિંગ્સનો સૌથી મહત્વપૂર્ણ બોલર માનવામાં આવતો હતો. ગત સિઝનમાં અર્શદીપે શાનદાર બોલિંગ કરી હતી અને 19 વિકેટો લીધી હતી, છતાં પંજાબે તેને નીકાળ્યો હતો. પંજાબ કિંગ્સે માત્ર બે અનકેપ્ડ ખેલાડીઓ શશાંક સિંહ અને પ્રભસિમરન સિંહને યથાવત રાખ્યા છે. જો કે હવે પંજાબ કિંગ્સ મેગા ઓક્શનમાં અર્શદીપ સિંહને નિશાન બનાવી શકે છે.
2. ઋષભ પંત
આ વખતે વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને પણ દિલ્હી કેપિટલ્સ દ્વારા બહાર કરવામાં આવ્યો હતો. જો કે, લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. હવે પંત મેગા ઓક્શનનો હિસ્સો બની શકે છે. જો દિલ્હી કેપિટલ્સને તેની ટીમ માટે કોઈ કપ્તાન ન મળે, તો તે IPL 2025ની હરાજી દરમિયાન રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને તેને પરત લાવી શકે છે.
3. કેમેરોન ગ્રીન
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ વખતે તેના સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને પણ બહાર કર્યો છે. આરસીબીએ 17.5 કરોડ રૂપિયામાં ગ્રીનને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. જો કે, હવે હરાજીમાં, RCB રાઈટ ટુ મેચ (RTM) કાર્ડનો ઉપયોગ કરીને ગ્રીનને ફરીથી ટીમમાં સામેલ કરી શકે છે. જો કે, આ નિર્ણય IPL 2025ની હરાજીમાં તેને મળેલી કિંમત પર નિર્ભર રહેશે અને ટીમ તેના આધારે તેનું મૂલ્યાંકન કરશે કે તેનો પરત લાવવો કે નહીં.