ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે IPL આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હતું. બીસીસીઆઈએ દંડ તરીકે મેક્સવેલની મેચ ફીના 25 ટકા કાપી લીધા છે. આ સાથે, તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યો છે.


પંજાબ કિંગ્સે આ મેચ 18 રનથી જીતી લીધી. પ્રિયાંશ આર્યએ 42 બોલમાં 103 રનની ઈનિંગ રમી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો.

આચારસંહિતાનો ભંગ કરવા બદલ ફટકાર્યો દંડ

IPL દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "પંજાબ કિંગ્સના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને મંગળવારે ન્યૂ ચંદીગઢના ન્યૂ PCA સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની તેની ટીમની મેચ દરમિયાન IPL આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેની મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે અને તેને એક ડિમેરિટ પોઈન્ટ પણ મળ્યો છે.

ગ્લેન મેક્સવેલે કલમ 2.2 (મેચ દરમિયાન ફિક્સર અને ફિટિંગનો દુરુપયોગ) હેઠળ લેવલ 1 ના ગુનાનો સ્વીકાર કર્યો છે અને મેચ રેફરીની સજા સ્વીકારી છે. આચારસંહિતાના લેવલ 1 ના ઉલ્લંઘન માટે, મેચ રેફરીના નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે."

IPL 2025માં ગ્લેન મેક્સવેલનું પ્રદર્શન

ગ્લેન મેક્સવેલના બેટે IPL 2025માં હજુ સુધી સારું પ્રદર્શન કર્યું નથી, તેને 3 ઈનિંગ્સમાં 31 રન બનાવ્યા છે. તેને રાજસ્થાન રોયલ્સ સામે 30 રન બનાવ્યા હતા, જ્યારે ગુજરાત ટાઈટન્સ સામે તે ખાતું પણ ખોલી શક્યો ન હતો અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં તે 1 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ તે બોલિંગમાં સારું યોગદાન આપી રહ્યો છે, તેને અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 3 વિકેટ લીધી છે.

શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળની પંજાબ કિંગ્સનું પ્રદર્શન આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર રહ્યું છે, પહેલી 2 મેચ જીત્યા બાદ, તેઓ ત્રીજી મેચ હારી ગયા અને ચોથી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. 4માંથી 3 જીત સાથે, પંજાબ કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.


  • Follow us on: