IPL 2025 ની 46મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ દિલ્હી કેપિટલ્સને 6 વિકેટથી હરાવ્યું. આરસીબીની જીતના હીરો વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યા હતા. બંનેએ ચોથી વિકેટ માટે સદીની પાર્ટનરશિપ કરી. વિરાટે 51 રન અને કૃણાલે 73 રન બનાવ્યા. આ જીત સાથે, RCB પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે.
દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 162 રન બનાવ્યા. જવાબમાં, RCB એ એક તબક્કે ફક્ત 26 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ પછી વિરાટ અને કૃણાલે મજબૂત બેટિંગથી પોતાની ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. આ રીતે, આરસીબીએ દિલ્હી સામે બેંગલુરુની હારનો બદલો પણ લીધો.
કૃણાલ પંડ્યાની મેચવિનિંગ ઈનિંગ
કૃણાલ પંડ્યાએ 47 બોલમાં અણનમ 73 રનની મેચવિનિંગ ઈનિંગ રમી. તેને 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. કૃણાલે 9 વર્ષ પછી IPLમાં અડધી સદી ફટકારી છે. આ પહેલા, તેના બેટમાંથી ફિફ્ટી 2016 માં આવી હતી.
163 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે આરસીબીની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પોતાની ડેબ્યૂ મેચમાં ઓપનિંગ કરવા આવેલા જેકબ બેથેલ 6 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો. આ પછી દેવદત્ત પડિકલ ખાતું ખોલાવી શક્યો નહીં. ત્યારબાદ રજત પાટીદાર રન આઉટ થયો હતો. તેને 6 રન બનાવ્યા. આ રીતે, RCB એ માત્ર 26 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી.
વિરાટે ઓરેન્જ કેપ પણ જીતી લીધી
આ પછી, વિરાટ કોહલી અને કૃણાલ પંડ્યાએ 119 રનની પાર્ટનરશિપ કરી. વિરાટે 47 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા. આ સાથે વિરાટે ઓરેન્જ કેપ પણ જીતી લીધી છે. અંતે, ટિમ ડેવિડે માત્ર 5 બોલમાં 19 રન બનાવ્યા. તેને ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો.
દિલ્હી તરફથી કેપ્ટન અક્ષર પટેલે બેસ્ટ બોલિંગ કરી. તેને ચાર ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ લીધી. આ સિવાય દુષ્મંથ ચમીરાએ 3 ઓવરમાં 24 રન આપીને 1 વિકેટ લીધી.