પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 11 રનથી હરાવ્યું. આ મેચમાં, પંજાબ કિંગ્સે પ્રથમ રમતા સ્કોરબોર્ડ પર 243 રન બનાવ્યા. જવાબમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ફક્ત 232 રન જ બનાવી શકી.
પંજાબની જીતમાં કેપ્ટન શ્રેયસ ઐય્યર ચમક્યો, તેને 97 રનની તોફાની ઈનિંગ્સ રમી. જ્યારે શશાંક સિંહ ફરીથી ટીમનો હીરો બન્યો. આ મેચમાં, વિજય કુમાર વૈશાખ પણ પંજાબ કિંગ્સના 'શાંત' હીરો તરીકે ઉભરી આવ્યા.
શ્રેયસ ઐયર અને શશાંક સિંહે મચાવી ધૂમ
પંજાબ માટે બેટિંગની વાત કરીએ તો, કેપ્ટન શ્રેયસ ઐયર અને શશાંક સિંહે સૌથી વધુ ચર્ચા બનાવી. એક તરફ ઐયરે 42 બોલમાં 97 રનની અણનમ ઈનિંગ રમી. છેલ્લી ઓવરોમાં શશાંક સિંહે 16 બોલમાં 44 રન બનાવ્યા. આ ટૂંકી અને વિસ્ફોટક ઈનિંગ માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. પંજાબ માટે મોટા સ્કોરનો પાયો પ્રિયાંશ આર્ય દ્વારા નાખવામાં આવ્યો હતો, જેને ઓપનિંગ બેટ્સમેન તરીકે 23 બોલમાં 47 રનની ધમાકેદાર ઈનિંગ રમી.
લક્ષ્યની નજીક આવ્યા પછી ડગમગી ગયું ગુજરાત
ગુજરાતને 244 રનનો લક્ષ્યાંક મળ્યો. સામે એક મોટું લક્ષ્ય હતું તેથી ટીમને ઝડપી શરૂઆતની પણ જરૂર હતી. આવું જ કંઈક બન્યું જ્યારે સાઈ સુદર્શન અને શુભમન ગિલે પાવરપ્લેમાં ટીમનો સ્કોર 60 થી વધુ કરી દીધો. ગિલ 14 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો. જ્યારે જોસ બટલર આવ્યો ત્યારે તેને સાઈ સુદર્શન સાથે મળીને 84 રનની પાર્ટનરશિપ કરી. સુદર્શન 41 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો.
ગુજરાત ટાઇટન્સની હારનું કારણ બન્યો આ ખેલાડી
ગુજરાત ટાઈટન્સની હારનું મુખ્ય કારણ શેરફેન રૂથરફોર્ડ હતો, જેને 28 બોલમાં 46 રન બનાવ્યા હતા પરંતુ આ બેટ્સમેને મહત્વપૂર્ણ ક્ષણોમાં ઘણા બધા ડોટ બોલ રમ્યા. આના કારણે ગુજરાતને નુકસાન થયું. રૂથરફોર્ડના ડોટ બોલ રમવાને કારણે ગુજરાતના અન્ય બેટ્સમેન પર દબાણ આવ્યું. આ દબાણ હેઠળ, બટલર 54 રન બનાવીને આઉટ થયો. આ પછી, રાહુલ તેવતિયા કમનસીબે રન આઉટ થયો અને અંતે ગુજરાત મેચ હારી ગયું. ગુજરાત ટાઈટન્સ માટે સાઈ સુદર્શને 41 બોલમાં 74 રનની ઈનિંગ રમી. તેના બેટમાંથી 6 છગ્ગા અને 5 ચોગ્ગા લાગ્યા. શુભમન ગિલે 14 બોલમાં 33 રન બનાવ્યા. તેને 3 છગ્ગા અને 2 ચોગ્ગા પણ ફટકાર્યા. બટલરે 31 બોલમાં અડધી સદી ફટકારી. તેને 33 બોલમાં 54 રન બનાવ્યા.