IPL 2026ની 19મી સિઝનનો રોમાંચ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. આજે 22 મે, 2026 ના રોજ લીગ સ્ટેજનો 67મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવા જઈ રહ્યો છે. આ હાઈ-વોલ્ટેજ મેચ પહેલા ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વસીમ જાફરની એક મોટી ભવિષ્યવાણી સોશિયલ મીડિયા પર હેડલાઈન્સ બની રહી છે, જે હવે સાચી સાબિત થતી દેખાઈ રહી છે.

ધર્મશાલામાં ગુજરાતને હરાવી ફાઇનલમાં જશે RCB!

48 વર્ષીય પૂર્વ ઓપનર વસીમ જાફરે પોતાની યુટ્યુબ ચેનલ પર ભવિષ્યવાણી કરતા જણાવ્યું હતું કે, આ સિઝનનો પહેલો ક્વોલિફાયર મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ (GT) વચ્ચે રમાશે. એટલું જ નહીં, તેમણે દાવો કર્યો છે કે, બેંગલુરુની ટીમ ધર્મશાલામાં રમાનારા ક્વોલિફાયર-1 મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને શિકસ્ત આપીને સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે.

વસીમ જાફરે કહ્યું, મને લાગે છે કે RCB અને GT ની ટીમ જ પહેલી ક્વોલિફાયર મેચ રમશે. હૈદરાબાદ (SRH) સામે ટોપ-2 માં આવવાની સ્થિતિ ખૂબ કઠિન છે. પહેલા ક્વોલિફાયર મુકાબલામાં ધર્મશાલા ખાતે આરસીબીને જીત મળશે.

આંકડા આપી રહ્યા છે જાફરની વાતને ટેકો

ટૂર્નામેન્ટના 67 મુકાબલાના અંતે પોઈન્ટ્સ ટેબલ પર નજર કરીએ, તો વસીમ જાફરનું અનુમાન સાચું પડતું દેખાય છે. બેંગલુરુએ પોતાના ટાઇટલનો બચાવ કરતા શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમે 13 માંથી 9 મેચ જીતી છે અને 4 માં હાર વેઠી છે. 18 પોઈન્ટ્સ અને +1.065ના સર્વશ્રેષ્ઠ નેટ રન રેટ સાથે RCB ટેબલમાં ટોચ પર છે.

બીજી તરફ, ગુજરાત ટાઈટન્સે પણ પોતાની છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને હરાવીને 18 પોઈન્ટ્સ સાથે બીજા સ્થાને રહીને લીગ સ્ટેજ પૂરું કર્યું છે. નેટ રન રેટ (+0.695) ઓછો હોવાને કારણે ગુજરાત બીજા ક્રમે છે.

હૈદરાબાદ માટે રસ્તો અત્યંત મુશ્કેલ

સનરાઈઝર્સ હૈદરાબાદ હાલમાં 13 મેચમાં 16 પોઈન્ટ્સ (+0.350 NRR) સાથે ત્રીજા સ્થાને છે. વસીમ જાફરના મતે આજે હૈદરાબાદ માટે હોમ ગ્રાઉન્ડ પર હોવા છતાં આરસીબીને એટલા મોટા માર્જિનથી હરાવવું અશક્ય જેવું છે, જેનાથી તે રન રેટમાં ગુજરાત કે બેંગલુરુથી આગળ નીકળી શકે. તેથી ગુજરાતનું ટોપ-2 માં રહેવું લગભગ નક્કી છે.

બોલિંગ વિરૂદ્ધ બેટિંગનો રોમાંચક જંગ

આજની મેચ અંગે વિશ્લેષણ કરતા જાફરે ઉમેર્યું કે, પ્લેઓફ પહેલા આરસીબી કદાચ જોશ હેઝલવુડને આરામ આપી શકે છે, પરંતુ આ મેચ અસલમાં આરસીબીની ઘાતક બોલિંગ અને એસઆરએચના વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચેની જંગ છે. ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડ સામે આરસીબીના ભુવનેશ્વર કુમાર માટે પણ આ એક મોટી પરીક્ષા સાબિત થશે.


આ પણ વાંચો - IPL 2026: CSK પ્લેઓફમાંથી બહાર થતાં સરફરાજ ખાનની ભાવુક પોસ્ટ, કેપ્ટન ઋતુરાજનું મોટું નિવેદન