- બુમરાહને ટીમમાં ફરી મળી શકે સ્થાન
- જયશાહે આપ્યું મોટું નિવેદન
- બુમરાહ અત્યારે ફિટ છે
ICC વનડે વર્લ્ડકપ 2023ને લઈ ભારતીય ટીમ પાસે હવે પોતાની તૈયારીઓને અંતિમરૂપ આપવામાં વધુ સમય બચ્યો નથી, ત્યારે તમામની નજર મુખ્ય ફાસ્ટ બોલર બુમરાહની વાપસી પર છે. ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાથી ટીમથી બહાર રહેલા બુમરાહની વાપસીને લઈ BCCI સચિવ જય શાહે હવે મોટું અપડેટ આપ્યું છે. જય શાહે કહ્યું કે, બુમરાહ હવે ફિટ છે અને આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં રમતા જોવા મળશે.
આયરલેન્ડ વિરુદ્ધની સીરિઝમાં થઈ શકે વાપસી
વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ભારતીય ટીમ આયરલેન્ડ વિરુદ્ધ 3 મેચની T-20 સીરિઝ રમશે. આ મેચ 18, 20 અને 23 ઓગસ્ટે આયરલેન્ડના ડબલિનમાં રમવામાં આવશે. જેને લઈ આવતા અઠવાડિયે ટીમની જાહેરાત થઈ શકે છે. આ સીરિઝના માધ્યમથી બુમરાહની મેદાનમાં વાપસીની આશા સેવાઈ રહી છે.
બુમરાહે કરાવી સર્જરી
સ્ટ્રેસ ફ્રેક્ચરને કારણે બુમરાહે તેના માટે સર્જરી કરાવવી પડી હતી. જે બાદ લાંબા સમયથી બુમરાહ NCAમાં પોતાનું રિહેબ કરી રહ્યો હતો. રિહેબ દરમિયાન બુમરાહ પોતાની પૂરી ક્ષમતા સાથે બોલિંગ કરી રહ્યો છે. થોડા સમય પહેલા, બુમરાહે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેની ફિટનેસ વિશે એક મોટું અપડેટ આપ્યું હતું. જેમાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો.
વનડે વર્લ્ડકપની તૈયારીને મળશે મજબૂતી
આયરલેન્ડ પ્રવાસ બાદ ભારતીય ટીમ એશિયાકપ રમશે. જે 50 ઓવરના ફોર્મેટમાં રમવામાં આવશે. જેથી બુમરાહની ફિટનેસને જોવા માટે ટીમ ઈન્ડિયા પાસે આ મહત્વની ટૂર્નામેન્ટ હશે. જે બાદ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 3 વનડે મેચની સીરિઝ રમશે અને પછી વનડે વર્લ્ડકપ શરૂ થશે.