- શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે ઈંગ્લેન્ડની ટીમ
- એક મોટો રેકોર્ડ બનાવવાની અણી પર છે પૂર્વ કેપ્ટન જો રૂટ
- જો રૂટ આ યાદીમાં નંબર વન પર પહોંચવાથી માત્ર 6 રન દૂર
ઈંગ્લેન્ડનો પૂર્વ કેપ્ટન જો રૂટ એક મોટો રેકોર્ડ બનાવવાની અણી પર છે. હાલમાં ઈંગ્લેન્ડની ટીમ શ્રીલંકા સામે બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. જો રૂટ આ મેચમાં બેટિંગ કરતી વખતે 6 રન બનાવી લે છે, તો તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-2025માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે. હાલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ભારતના યશસ્વી જયસ્વાલના નામે છે.
જયસ્વાલને છોડશે પાછળ
ત્રીજી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 2025માં રમાશે અને તેની વર્તમાન આવૃત્તિમાં યશસ્વી જયસ્વાલે 9 મેચોની 16 ઈનિંગ્સમાં 1,028 રન બનાવ્યા છે. તેણે 68.53ની શાનદાર એવરેજથી આ રન બનાવ્યા છે. હવે જો રૂટ આ યાદીમાં નંબર વન પર પહોંચવાથી માત્ર 6 રન દૂર છે. રૂટના નામે હાલમાં 14 મેચની 23 ઇનિંગ્સમાં 1,023 રન છે. નોંધનીય બાબત એ પણ છે કે અત્યાર સુધી માત્ર જયસ્વાલ અને રૂટ જ 2023-2025 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક હજાર કે તેથી વધુ રન બનાવી શક્યા છે.
આગામી ટેસ્ટ સિરીઝ ક્યારે રમશે ભારત?
તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે હજુ 2 ટેસ્ટ મેચ બાકી છે, જેમાં જો રૂટ રનના મામલે આગળ વધી શકે છે. પરંતુ ભારતના યુવા સ્ટાર યશસ્વી જયસ્વાલને સપ્ટેમ્બરમાં આગળ વધવાની તક મળી શકે છે. સપ્ટેમ્બરમાં, ભારત બાંગ્લાદેશની ટીમની યજમાની કરશે જેમાં જયસ્વાલને રમવાની તક મળે છે, તો તે ફરીથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનો ખિતાબ હાંસલ કરી શકે છે. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પછી ઈંગ્લેન્ડ સાથે પણ ટેસ્ટ સિરીઝ રમવાની છે.
જો રૂટે રચ્યો ઇતિહાસ
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. દરેક ટર્મમાં, ટીમો 2 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહેવાનો પ્રયાસ કરે છે. આ ચેમ્પિયનશિપ શરૂ થયાને લગભગ 6 વર્ષ વીતી ગયા છે અને અત્યાર સુધી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન જો રૂટ છે. જો રૂટે WTCમાં અત્યાર સુધી 56 મેચમાં 4,598 રન બનાવ્યા છે. બીજા સ્થાને ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન છે જેણે અત્યાર સુધીમાં 3,904 રન બનાવ્યા છે. આ યાદીમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન રોહિત શર્મા છે, જેણે 32 મેચમાં 2,552 રન બનાવ્યા છે.