- વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બન્યું ચેમ્પિયન
- કોહલીએ વીડિયો કોલ કરી મહિલા ટીમના કેપ્ટન સ્મૃતિ મંધાનાને અભિનંદન પાઠવ્યા
- આ જીત સાથે RCB ટીમ પર પણ પૈસાનો વરસાદ થયો હતો
વિમેન્સ પ્રીમિયર લીગ 2024ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તે કરી બતાવ્યું જે RCBની ટીમ છેલ્લા 16 વર્ષથી IPL 2024માં નથી કરી શકી. પ્રથમ બોલિંગમાં સોફી મૌલીનોએ એક જ ઓવરમાં 3 વિકેટ લઈને દિલ્હી કેપિટલ્સની ટીમને ચોંકાવી દીધી હતી જ્યારે શ્રેયંકા પાટીલે 4 વિકેટ લઈને દિલ્હીની બેટિંગની કમર તોડી નાખી હતી. RCB વતી સુકાની સ્મૃતિ મંધાના, સોફી ડિવાઇન અને એલિસ પેરીએ પણ ખૂબ જ શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. મેચનો વિનિંગ શોટ રિચા ઘોષના બેટમાંથી આવ્યો હતો, જ્યાં તેણે ફોર ફટકારીને સત્તાવાર રીતે RCB ફ્રેન્ચાઈઝીને પ્રથમ વખત ચેમ્પિયન બનાવ્યું હતું. સોશિયલ મીડિયા પર આરસીબીના ચાહકો આ જીતથી ઉત્સાહિત છે.
આરસીબી ચેમ્પિયન બનતા ચાહકોમાં ખુશીનો માહોલ
RCB ગત સિઝનમાં પ્લેઓફમાં પણ પહોંચી શકી ન હતી, પરંતુ આ વખતે ટીમે એકજૂથ પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાની કપ્તાની હેઠળ, ટીમે લીગ તબક્કાના પડકારોને પાર કર્યા, ત્યારબાદ, એલિમિનેટરમાં વિજય નોંધાવ્યા બાદ, તેણે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને 8 વિકેટથી હરાવીને પ્રથમ વખત ટ્રોફી જીતવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. એલિસ પેરીએ ખાસ કરીને WPL 2024 સીઝન દરમિયાન ખૂબ સારી બેટિંગ કરી હતી. તેણે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 347 રન બનાવ્યા, જે WPL સિઝન 2માં સૌથી વધુ હતા.
બેંગલોરની જીત સાથે જ કરોડો ફેન્સ સાથે વિરાટ કોહલી પણ ખુશ તયો હતો. કોહલીએ વીડિયો કોલ કરી મહિલા ટીમના કેપ્ટન સ્મૃતિ મંધાનાને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ક્રિસ ગેલ સહિત ઘણા લોકોએ RCBની ટીમને જીત માટે અભિનંદન પાઠવ્યા હતા.
વિજેતા ટીમને આટલા કરોડ રૂપિયા મળ્યા
આ જીત સાથે RCB ટીમ પર પણ પૈસાનો વરસાદ જોવા મળ્યો. વુમન્સ પ્રીમિયર લીગ 2024માં વિજેતા ટીમ રોયલ ચેલેન્જર બેંગ્લોરને ટ્રોફી જીતવા બદલ ઈનામ તરીકે 6 કરોડ રૂપિયાની રકમ મળશે. જ્યારે રનર અપ દિલ્હીની ટીમને 3 કરોડ રૂપિયા મળશે. વિમેન્સ પ્રીમિયર લીગમાં નાણાંની રકમ IPLની સરખામણીમાં ઘણી ઓછી છે પરંતુ તે PSL કરતા વધુ છે.
IPL વિજેતાને આટલા પૈસા મળે છે
ગયા વર્ષે IPL ચેમ્પિયન બનેલી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને પ્રાઇસ મની તરીકે 20 કરોડ રૂપિયા મળ્યા હતા. રનર્સઅપ ગુજરાત ટાઇટન્સને 12 કરોડ 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. જો પાકિસ્તાન સુપર લીગની વાત કરીએ તો જે ટીમ પાકિસ્તાન સુપર લીગ જીતે છે તેને 120 મિલિયન પાકિસ્તાની રૂપિયા એટલે કે ભારતીય રૂપિયામાં 3.50 કરોડ રૂપિયા આપવામાં આવે છે. તેનો અર્થ એ કે આ મહિલા પ્રીમિયર લીગમાં મળેલી ઈનામની રકમનો અડધો ભાગ છે.