• ભારતીય ટીમ માટે ઈજાગ્રસ્ત ખેલાડીઓ સમસ્યા બન્યા
  • રાહુલ અને અય્યરની વાપસી પર સવાલો ઉભા થઈ રહ્યા છે
  • બંને ખેલાડીઓ ફીટ નહી થાય તો મિડલ ઓર્ડર પર થશે અસર

છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી કેટલાક ખેલાડીઓ રીકવર થઈ ગયા છે તો કેટલાક ખેલાડીઓ હજુ પણ વાપસી કરશે કે નહીં તે એક પ્રશ્ન છે. જેમાં કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ ટીમ ઈન્ડિયા તેમજ વિરાટ કોહલી માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. વાસ્તવમાં કોહલીએ ત્રીજા નંબરની બેટિંગ પોઝિશન છોડવી પડી શકે છે.

ભારતીય ટીમ માટે ઈજાગ્રસ્ત ખેલાડીઓ સમસ્યા બની રહ્યા છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરની વાપસી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. બંને ફિટનેસ બાદ તરત જ 50 ઓવરની મેચ રમી શકશે કે કેમ, આ પ્રશ્ન પણ છે. આવી સ્થિતિમાં ભારતીય મિડલ ઓર્ડરનો પેંચ ફસાતો જોવા મળી રહ્યો છે. જો રાહુલ અને અય્યર ફિટ ન હોય તો કોહલીએ નંબર-3ની પોઝિશન છોડવી પડી શકે છે.

રાહુલ ટીમ ઈન્ડિયા માટે પહેલી પસંદગી હશે

આઈપીએલ 2023માં કેએલ રાહુલને પગમાં ઈજા થઈ હતી. તે જ સમયે, શ્રેયસ અય્યરે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પીઠના દુખાવાની ફરિયાદ કરી હતી. બંને ખેલાડીઓની સર્જરી કરવામાં આવી છે. જોકે બંને ખેલાડીઓએ નેટમાં પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. જો કે કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે, તેમ છતાં તે વનડેમાં ટીમ ઈન્ડિયા માટે પહેલી પસંદગી હશે. વનડેમાં પાંચમા નંબરે રમી રહેલા રાહુલના આંકડા ઘણા સારા છે.

આ સિવાય શ્રેયસ અય્યર છેલ્લા કેટલાક સમયથી વનડેમાં ભારત માટે નંબર-4 સારો બેટ્સમેન રહ્યો છે. અય્યરે પણ શાનદાર પ્રદર્શનથી ટીમમાં જગ્યા બનાવી છે. આવી સ્થિતિમાં ઐયરની ગેરહાજરી ટીમ માટે મુશ્કેલ બની શકે છે. ઐયરની વાપસી અંગે હજુ કંઈ સ્પષ્ટ નથી.

કોહલીએ નંબર 3નું સ્થાન છોડવું પડી શકે છે

જો કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ફિટ નહીં થાય તો વિરાટ કોહલીને નંબર-3 બેટિંગની પોઝિશનનું બલિદાન આપવું પડી શકે છે. કોહલીએ વનડે કરિયરમાં 12898 રન બનાવ્યા છે, જેમાં તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા 10777 રન બનાવ્યા છે. આ સિવાય કોહલીએ ત્રીજા નંબર પર બેટિંગ કરતા 46માં 39 વનડે સદી પણ ફટકારી છે.

બીજી તરફ રાહુલ અને ઐયરની ગેરહાજરીમાં ઈશાન કિશન વિકેટકીપર તરીકે ભારતની પહેલી પસંદગી હશે. આવી સ્થિતિમાં ઈશાન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં જોવા મળશે અને ઓપનર શુભમન ગિલ નંબર-3નું સ્થાન મેળવી શકશે. આ સ્થિતિમાં કોહલીએ પોતાનું નંબર-3નું સ્થાન છોડીને નંબર-4 પર બેટિંગ કરવી પડી શકે છે.

મિડલ ઓર્ડર આ રીતે સેટ થઈ શકે છે

જો કે, ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવ અને સંજુ સેમસનને વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI સીરિઝ દ્વારા રાહુલ અને ઐયરના બેકઅપ તરીકે તૈયાર કરવાનું શરૂ કર્યું. અય્યર અને રાહુલની ગેરહાજરીમાં સંજુ સેમસન નંબર પાંચ અને હાર્દિક પંડ્યા છઠ્ઠા સ્થાને આવી શકે છે. આ રીતે રાહુલ અને અય્યરની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયા પોતાનો મિડલ ઓર્ડર સેટ કરી શકે છે. સૂર્યા પણ સંજુનું સ્થાન લઈ શકે છે, પરંતુ ODIમાં સૂર્યાના આંકડા કંઈ ખાસ નથી રહ્યા.

  • Follow us on: