- ભારત શ્રીલંકાને હરાવી ફાઈનલમાં પહોંચ્યું
- કુલદીપે 5 વિકેટો ઝડપી કરી મોટી ઉલટફેર
- કુલદીપે વિકેટનો શ્રેય આપ્યો કેએલ રાહુલને
એશિયા કપ 2023માં પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચમાં કુલદીપ યાદવનું શાનદાર બોલિંગ પ્રદર્શન જોવા મળ્યું હતું. કુલદીપે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 9 વિકેટ લીધી છે. તેમજ શ્રીલંકા સામે હારેલી મેચ જીતવામાં સૌથી મહત્વની ભૂમિકા લેફ્ટ આર્મ સ્પિનર કુલદીપ યાદવ અને જાડેજાની છે.
કુલદીપે સૌથી વધુ વિકેટો ઝડપી
ભારતીય ટીમે એશિયા કપ 2023માં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. સુપર-4માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે અને પછી શ્રીલંકા સામે શાનદાર જીત નોંધાવી હતી. આ બંને મેચમાં બોલરોએ વિરોધી ટીમની તમામ વિકેટો ઝડપી હતી. જેમાં કુલદીપ યાદવની સ્પિનનો જાદુ જોવા મળ્યો જેણે પાકિસ્તાન સામે 5 વિકેટ અને શ્રીલંકા સામેની મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
કુલદીપે વિકેટનો શ્રેય આપ્યો કેએલ રાહુલને
કુલદીપના શાનદાર પ્રદર્શનના વખાણ પણ થઈ રહ્યા છે. શ્રીલંકા સામેની મેચ જીત્યા બાદ કુલદીપે તેની એક વિકેટનો શ્રેય કેએલ રાહુલને આપ્યો હતો. આ વિકેટ શ્રીલંકાના બેટ્સમેન સાદિરા સમરવિક્રમાની હતી. કુલદીપના બોલને આગળ રમવાનો પ્રયાસ કરતી વખતે તે સ્ટમ્પ થઈ ગયો હતો. કુલદીપે શ્રીલંકા સામેની મેચમાં 4 વિકેટ લઈને તેની ODI કારકિર્દીની 150 વિકેટ પણ પૂરી કરી હતી.
શ્રીલંકા સામેની જીત બાદ કુલદીપે બીસીસીઆઈ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વિડિયોમાં જણાવ્યું હતું કે કેએલ ભાઈએ મને ચોથા કે પાંચમા સ્ટમ્પ તરફ બોલ નાખવાનો પ્રયાસ કરવાની સલાહ આપી હતી જેથી બોલને ફેરવવાની તક મળે. સાદિરાની વિકેટ માટે હું કેએલને ક્રેડિટ આપવા માંગુ છું.
કેએલ રાહુલે આપી પ્રતિક્રિયા
કુલદીપે રાહુલને ક્રેડિટ આપતા તેમણે પણ સામે પ્રતિક્રિયા આપી છે. કેએલ રાહુલે કહ્યું, "હું કુલદીપ પાસેથી કોઈ ક્રેડિટ છીનવી લેવા માંગતો નથી. અમલ કુલદીપે કર્યો હતો. મેં તો ફક્ત મેસેજ પાસ કર્યો હતો".
હું બોલિંગ કરતાં બેટિંગ પર વધુ ધ્યાન આપી રહ્યો છું
આગામી ODI વર્લ્ડ કપ 2023 અંગે કુલદીપ યાદવે સ્ટાર સ્પોર્ટ્સ પર શ્રીલંકા મેચ બાદ કહ્યું કે આ સમયે હું મારી બોલિંગ કરતાં મારી બેટિંગ પર વધુ ધ્યાન આપી રહ્યો છું. હું પણ આ માટે સખત મહેનત કરી રહ્યો છું. અત્યારે વર્લ્ડ કપ આવી રહ્યો છે અને મને આશા છે કે જો હું તેમાં બેટિંગ કરી શકું તો બેટથી પણ ટીમને મેચ જીતાડવાનો પ્રયાસ કરી શકું.