- IPL 2023 શરૂ થવામાં દોઢ મહિનાથી ઓછો સમય બાકી
- એક કરોડમાં વેચાયેલો કાયલ જેમિસન કમરના દુ:ખાવાની કરાવશે સર્જરી
- ત્રણથી ચાર મહિના મેદાનથી દૂર રહેશે, ટૂર્નામેન્ટમાં નહીં રમે
IPL 2023 શરૂ થવામાં હજુ એક મહિનાથી વધુ સમય બાકી છે. પરંતુ તે પહેલા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. IPLમાં એક કરોડમાં વેચાયેલો ખેલાડી હવે ટૂર્નામેન્ટમાં રમી શકશે નહીં.
કાયલ જેમિસન કમરના દુ:ખાવાની કરાવશે સર્જરી
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસન કમરના દુ:ખાવાની સર્જરી કરાવશે કારણ કે તેની ઈજા ફરીથી વધી ગઈ હતી અને તેને નવ મહિનાથી વધુ સમય માટે સ્પર્ધાત્મક ક્રિકેટથી દૂર રાખ્યો હતો. જેમિસન ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણીમાં પુનરાગમન કરશે તેવી અપેક્ષા હતી. તેણે છેલ્લી ટેસ્ટ જૂન 2022માં રમી હતી. જો કે, 28 વર્ષીય ખેલાડીએ ઇજા અને સર્જરીની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડશે. તે ત્રણથી ચાર મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે.

કોચ ગેરી સ્ટેડે જેમિસન વિશે આપી માહિતી
સ્ટાર ફાસ્ટ બોલરે આ મહિને ઈંગ્લેન્ડની ટીમ સામે ન્યુઝીલેન્ડ ઈલેવન માટે પ્રેક્ટિસ મેચ રમી હતી. ન્યૂઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે આ અંગે કહ્યું, 'કાયલ માટે આ એક પડકારજનક અને મુશ્કેલ સમય છે. અમારા માટે મોટી ખોટ છે. જ્યારે તે ટીમનો ભાગ હતો ત્યારે તે અમારા માટે એક સ્ટાર ખેલાડી હતો. અમે તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.
સર્જરી કરવાની ફરજ પડી
જેમિસને અગાઉ આશા વ્યક્ત કરી હતી કે તેની ઈજામાંથી આરામથી સાજો થઈ જશે પરંતુ ફરીથી ઇન્જરી થવાના કારણે તેને સર્જરી કરવાની ફરજ પડી છે. સ્ટેડે કહ્યું, 'ઘણા વર્લ્ડ ક્લાસ ખેલાડીઓની પીઠની સર્જરી થઈ છે અને તેને સાજા થવામાં અલગ-અલગ સમય લાગે છે. અમે કાયલની જલ્દી વાપસી કરાવવાની શ્રેષ્ઠ તક આપવા માંગીએ છીએ કારણ કે અમે જાણીએ છીએ કે તે અમારા માટે તે કેટલો મહત્વપૂર્ણ ખેલાડી છે.

IPLમાં ચેન્નાઈનો ભાગ
કાયલ જેમિસન IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવાનો હતો. આ કિવી બોલરને મહેન્દ્ર સિંહ ધોનીની ટીમે હરાજીમાં એક કરોડમાં ખરીદ્યો હતો. પરંતુ હવે તે લીગમાં રમી શકશે નહીં.