- સ્ટ્રાઈક રેટ બેટિંગ ઓર્ડર પર આધાર રાખે છે અને ઓપનર માટે 130-140નો સ્ટ્રાઈક રેટ ખરાબ નથી
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન કોહલીએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં સદી ફટકારી
- રોહિત અને વિરાટ માટે ઓપનર તરીકે વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ માટે જવું તે ભારત માટે ઘણું સારું રહેશે
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની વર્તમાન સિઝનમાં શાનદાર ફોર્મમાં હોવા છતાં, ભારતીય દિગ્ગજ વિરાટ કોહલી ધીમી સ્ટ્રાઈક રેટથી રન બનાવવા માટે ટીકાઓનો સામનો કરી રહ્યો છે પરંતુ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન બ્રાયન લારાએ આગામી સમયમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. T20 વર્લ્ડ કપમાં ટીમમાં વિરાટ કોહલીના સમાવેશની હિમાયત કરતા કહ્યું કે, તેની ઉપયોગિતા સ્ટ્રાઈક રેટથી આગળ વધે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન કોહલીએ જયપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે 67 બોલમાં સદી ફટકારી હતી, જે 2009માં મનીષ પાંડેની સાથે આ ટુર્નામેન્ટની સૌથી ધીમી સદી છે.
લારાએ સ્ટાર સ્પોર્ટ્સના પ્રેસ રૂમ કાર્યક્રમમાં શું કહ્યું?
સ્ટ્રાઈક રેટ બેટિંગ ઓર્ડર પર આધાર રાખે છે અને ઓપનર માટે 130-140નો સ્ટ્રાઈક રેટ ખરાબ નથી. પરંતુ જો તમે મિડલ ઓર્ડરમાં આવો છો તો તમારે 150 અથવા 160ના સ્ટ્રાઈક રેટથી રન બનાવવાની જરૂર પડી શકે છે. તમે આ આઈપીએલમાં જોયું હશે કે, બેટ્સમેન એક ઈનિંગની છેલ્લી ઓવરોમાં 200ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યા છે. તેણે કહ્યું, કોહલી જેવો ઓપનિંગ બેટ્સમેન સામાન્ય રીતે 130ના સ્ટ્રાઈક રેટથી ઈનિંગની શરૂઆત કરે છે અને પછી તેની પાસે 160ના સ્ટ્રાઈક રેટ સાથે ઈનિંગ સમાપ્ત કરવાની તક હોય છે.
લારાએ ટી20 વર્લ્ડ કપમાં ઓપનિંગ જોડી વિશે કહ્યું
વિરાટ કોહલી અને રોહિત શર્મા પર બ્રાયન લારાએ કહ્યું કે T20 વર્લ્ડ કપમાં કોહલી અને રોહિત સાથે ઇનિંગની શરૂઆત કરવી એ એક આકર્ષક વિકલ્પ હોઈ શકે છે, પરંતુ તે આ પદ માટે અનુભવી ખેલાડીની સાથે યુવા ખેલાડીને પણ અજમાવવા માંગે છે. તેણે કહ્યું, મને લાગે છે કે રોહિત અને વિરાટ માટે ઓપનર તરીકે વેસ્ટ ઈન્ડિઝમાં વર્લ્ડ કપ માટે જવું તે ભારત માટે ઘણું સારું રહેશે. જો કે, હું માનું છું કે, ઈનિંગની શરૂઆતમાં તમારી પાસે એક યુવા ખેલાડી હોવો જોઈએ અને આ અનુભવી ખેલાડીઓમાંથી કોઈ એક પાસે મિડલ ઓર્ડરમાં ઈનિંગ્સને આકાર આપવાની જવાબદારી હોવી જોઈએ. ડાબા હાથના બેટ્સમેને કહ્યું, જો આ અનુભવી ખેલાડીઓ વહેલા આઉટ થઈ જાય છે જો આવું થાય તો તેની ટીમ પર નકારાત્મક અસર પડે છે. તેથી, રોહિત અને વિરાટ વચ્ચે હું ટોચના ક્રમમાં એકનો ઉપયોગ કરીશ અને બીજાનો ત્રીજા ક્રમમાં ઉપયોગ કરીશ.
લારાએ યશસ્વી જયસ્વાલ વિશે કહ્યું
ખરાબ ફોર્મમાં ચાલી રહેલા યશસ્વી જયસ્વાલને જ્યારે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે T20 વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવાની છે અને શક્ય છે કે આ ખેલાડીના મગજમાં આ વાત ચાલી રહી હોય. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં શાનદાર ફોર્મમાં રહેલા જયસ્વાલ IPLમાં ચાર મેચમાં 9.75ની એવરેજથી માત્ર 39 રન જ બનાવી શક્યો છે. 54 વર્ષીય ભૂતપૂર્વ ખેલાડીએ કહ્યું, “આ વર્ષની શરૂઆતમાં તેણે ટેસ્ટ શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. મને લાગે છે કે તે ખૂબ ચિંતિત છે (પસંદગી વિશે). તેની અસર બેટિંગમાં જોવા મળે છે, તેની પાસે ક્ષમતા ચોક્કસ છે પરંતુ તે શોટ રમવાની ઉતાવળમાં છે.
રન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો અને વર્લ્ડ કપ માટે પસંદગી આપોઆપ થઈ જશે
તેણે કહ્યું, તે એકદમ સ્વાભાવિક છે કે જયસ્વાલ કે શુભમન ગિલ કે અભિષેક શર્મા કે રિયાન પરાગ જેવા યુવા ખેલાડીઓના મગજમાં આ વાત ચાલી રહી છે. તેઓ જાણે છે કે જો તેઓ અહીં રન બનાવશે તો ભારતની વર્લ્ડ કપ ટીમમાં હોઈ શકે છે. પરંતુ તમારે આ બે વસ્તુઓને અલગ કરવાની જરૂર છે. મારા રમતના દિવસો દરમિયાન મેં આ સાથે સંઘર્ષ કર્યો. મારી તેને સલાહ છે કે આઈપીએલ પર ધ્યાન કેન્દ્રિત કરો, રન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરો અને વર્લ્ડ કપ માટે પસંદગી આપોઆપ થઈ જશે.