લિજેન્ડ્સ લીગ ક્રિકેટ 2024 ની 12મી મેચ ઈરફાન પઠાણની કોર્નક સૂર્યા ઓડિશા અને શ્રીવત્સ ગોસ્વામીની સધર્ન સુપર સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન સધર્ન સુપર સ્ટાર્સે કોર્નાક સૂર્યાને 8 વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોર્નાક સૂર્યાએ નિર્ધારિત 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 192 રન બનાવ્યા હતા. સધર્ન સુપર સ્ટાર્સે 16 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. સધર્ન માટે ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલે તોફાની સદી ફટકારી હતી.


સુબોધ ભાટીએ 2 વિકેટ ઝડપી

ટોસ હારીને પહેલા બેટિંગ કર્યા બાદ કોર્નાક સૂર્યા ઓડિશાએ સારી શરૂઆત કરી હતી. રિચાર્ડ લેવી અને જેસી રાયડરની ઓપનિંગ જોડીએ પ્રથમ વિકેટ માટે માત્ર 4.5 ઓવરમાં 76 રન જોડ્યા હતા. આ દરમિયાન રિચર્ડ લેવીએ માત્ર 21 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 63 રનની ઈનિંગ રમી હતી. જ્યારે જેસી રાયડરે 18 બોલમાં 18 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં યુસુફ પઠાણે 22 બોલમાં 33 રનની ઈનિંગ રમી હતી પરંતુ કેપ્ટન ઈરફાન પઠાણ માત્ર 10 રન જ બનાવી શક્યો હતો. સાઉથ તરફથી સુબોધ ભાટીએ 2 વિકેટ ઝડપી હતી.

માર્ટિન ગુપ્ટિલે 54 બોલમાં 131 રનની અણનમ રમી ઈનિંગ

જવાબમાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સધર્ન સુપર સ્ટાર્સની શરૂઆત બહુ સારી રહી ન હતી. ટીમને પહેલો ઝટકો માત્ર 34 રનના સ્કોર પર લાગ્યો હતો. કેપ્ટન શ્રીવત્સ ગોસ્વામી 15 બોલમાં 18 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ આ પછી માર્ટિન ગુપ્ટિલે એકલા હાથે શાનદાર સદી ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી. તેને માત્ર 54 બોલમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી 131 રનની અણનમ ઈનિંગ રમી હતી. પવન નેગી 11 બોલમાં 14 રન બનાવીને અણનમ રહ્યો હતો. કોર્નાકના બોલર નવીન સ્ટુઅર્ટે માત્ર 2 ઓવરમાં 63 રન આપ્યા હતા.

 

આ જીત બાદ સધર્ન સુપર સ્ટાર્સે પોઈન્ટ ટેબલમાં પોતાનું ટોપનું સ્થાન વધુ મજબૂત કર્યું છે. ટીમે અત્યાર સુધી 5માંથી 5 મેચ જીતી છે. જ્યારે ઈન્ડિયા કેપિટલ્સ બીજા સ્થાને અને કોર્નાકની ટીમ ત્રીજા સ્થાને છે.

  • Follow us on: