- મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો મોડલ અને બિઝનેસવુમન
- 5 વર્ષની ઉંમરે બંનેની પહેલી મુલાકાત, 11 વર્ષે મિત્રતા થઇ
- 2009માં રિલેશનને જાહેર કર્યા, 2017માં બંને લગ્નગ્રંથિમાં બંધાયા
આર્જેન્ટિનાનો કેપ્ટન લિયોનેલ મેસ્સી વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. જ્યારે આર્જેન્ટિનાએ ફ્રાન્સને હરાવીને ઈતિહાસ રચ્યો ત્યારે તે આખા પરિવાર સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. લિયોનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો પણ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે.
મેસ્સી 'વર્લ્ડ ચેમ્પિયન'
આર્જેન્ટીનાનો સુપરસ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી હવે વર્લ્ડ ચેમ્પિયન બની ગયો છે. FIFA વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં રવિવારે (13 ડિસેમ્બર) ફ્રાન્સ સામે, આર્જેન્ટિનાએ પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી જીત મેળવી હતી. આ ખાસ ક્ષણ 1986 પછી આવી છે જ્યારે આર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું અને આ જીતનો હીરો કેપ્ટન લિયોનેલ મેસ્સી હતો, જેણે તેની છેલ્લી વર્લ્ડ કપ મેચમાં તેનું સૌથી મોટું સપનું પૂરું કર્યું હતું.

મેસ્સીએ પરિવાર સાથે ઉજવણી કરી
વર્લ્ડ કપ જીત્યા બાદ લિયોનેલ મેસ્સીએ તેના પરિવાર સાથે ઉજવણી કરી હતી. મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો અને તેમના ત્રણ બાળકો મેદાનમાં હાજર હતા. વર્લ્ડ કપ પૂરો થયા બાદ જ્યારે એવોર્ડ સમારોહ યોજાયો ત્યારે લિયોનેલ મેસ્સીનો આખો પરિવાર મેદાન પર પહોંચ્યો હતો. અહીં મેસ્સીએ આખા પરિવાર સાથે વર્લ્ડ કપની ટ્રોફી સાથે તસવીરો ખેંચાવી અને ઉજવણી કરી હતી.
મેસ્સી-એન્ટોનેલા રોકુઝોની પ્રેમ કહાની
મેસ્સી અને એન્ટોનેલાની લવ સ્ટોરી ખૂબ જ ખાસ છે, કારણ કે બંને બાળપણથી સાથે છે અને અત્યાર સુધી સાથે જ છે. બંનેની પહેલી મુલાકાત 5 વર્ષની ઉંમરે થઈ હતી. જ્યાં મેસ્સીએ તેનું બાળપણ આર્જેન્ટિનાના રોઝારિયોમાં વિતાવ્યું હતું, તે જ જગ્યાએ તેની મુલાકાત એન્ટોનેલા સાથે થઈ હતી.

11 વર્ષની ઉંમરે મિત્રતા થઇ
લિયોનેલ મેસ્સી જ્યારે નેવેલની ઓલ્ડ બોયઝ ક્લબ તરફથી રમતો હતો ત્યારે તે મિત્રના ઘરે ડિનર માટે ગયો હતો. તે સમયે તે તેની ટીમના મિડફિલ્ડર ખેલાડીની પિતરાઈ બહેનને મળ્યો હતો, જે એન્ટોનેલા રોકુઝો હતી. જો કે તે પ્રારંભિક મિત્રતા હતી, મેસ્સી 11 વર્ષની ઉંમરે આર્જેન્ટિના છોડીને બાર્સેલોનામાં શિફ્ટ થયો હતો.
એક દુર્ઘટના બાદ બંને નજીક આવ્યા
જ્યારે લિયોનેલ મેસ્સી બાર્સેલોના શિફ્ટ થયો ત્યારે એન્ટોનેલા સાથેની મુલાકાત પણ બંધ થઈ ગઈ. 2004 સુધી બંને એકબીજાથી દૂર રહ્યા, પરંતુ તે પછી એક દુર્ઘટના થઈ જેણે તેમને ફરી નજીક લાવ્યા. હકીકતમાં, એન્ટોનેલા રોકુઝોના સૌથી નજીકના મિત્રનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું, ત્યારબાદ મેસ્સીએ તેને સાંત્વના આપી હતી. અહીંથી ફરી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ અને બંને ફરી મિત્રો બની ગયા.

બાળકના જન્મના પાંચ વર્ષ બાદ લગ્ન કર્યા
વર્ષ 2009માં, લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોએ તેમના સંબંધોને જાહેર કર્યા હતા. વર્ષ 2012માં બંનેને પહેલો પુત્ર થયો. લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોએ બાળકના જન્મના પાંચ વર્ષ બાદ 2017માં લગ્ન કર્યા હતા.લિયોનેલ મેસ્સી અને એન્ટોનેલા રોકુઝોના ત્રણ બાળકો છે જેમના નામ થિયાગો, માટો અને સિરો છે.
દરેક મેચમાં મેસ્સીને સપોર્ટ કરવા હાજર રહી
લિયોનેલ મેસ્સીની પત્ની એન્ટોનેલા રોકુઝો એક મોડલ અને બિઝનેસવુમન છે. વર્ષ 2016માં, તેણે રિકી સરકની સાથે મોડેલિંગ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે વર્ષ 2017માં તેણે પોતાની બુટિક ચેઈન શરૂ કરી હતી. એન્ટોનેલા રોકુઝો લગભગ દરેક મેચમાં લિયોનેલ મેસ્સીને સપોર્ટ કરતી જોવા મળે છે. કતારમાં રમાયેલા વર્લ્ડ કપ દરમિયાન પણ આર્જેન્ટિનાની દરેક મેચમાં એન્ટોનેલા રોકુઝો હાજર રહી હતી.













