- આજે ન્યુઝીલેન્ડની મેચ પપુઆ ન્યુ ગિની વચ્ચે રમાઈ
- ન્યૂઝીલેન્ડના બોલર લોકી ફર્ગ્યુસને નવો રેકોર્ડ બનાવ્યો
- T20ના ઈતિહાસમાં 4 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
T20 વર્લ્ડકપ 2024માં આજે ન્યુઝીલેન્ડની મેચ પપુઆ ન્યુ ગિની સાથે રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે આ મેચમાં PNGને ખરાબ કરી દીધું છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના બોલર લોકી ફર્ગ્યુસને નવો રેકોર્ડ બનાવ્યો છે. લોકી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો એકમાત્ર બોલર બની ગયો છે. ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ બોલર આવું પ્રદર્શન કરી શક્યો નથી, જે આ ન્યૂઝીલેન્ડના બોલરે હાંસલ કર્યો છે. લોકી ફર્ગ્યુસને કયો ઈતિહાસ રચ્યો છે તે વિગતવાર સમજીએ.
આવું કરનાર વિશ્વનો પ્રથમ બોલર બન્યો ફર્ગ્યુસન
ન્યુઝીલેન્ડ અને PNG વચ્ચે રમાઈ રહેલી મેચમાં લોકી ફર્ગ્યુસને પોતાના સ્પેલની સંપૂર્ણ 4 ઓવર ફેંકી હતી. આ 4 ઓવરમાં લોકી ફર્ગ્યુસને 0 રન આપ્યા છે અને 3 વિકેટ પણ લીધી છે. તે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં એક મેચમાં 4 મેડન ઓવર ફેંકનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે. જમણા હાથના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસને અત્યાર સુધીમાં 42 T20 મેચ રમી છે. આમાં તેણે 7.15ની ઈકોનોમી સાથે કુલ 61 વિકેટ લીધી છે. આ પહેલા લોકી ફર્ગ્યુસને આ 42 મેચમાં માત્ર 5 મેડન ઓવર નાંખી હતી.
પહેલા આ ખેલાડીના નામે હતો રેકોર્ડ
લોકી ફર્ગ્યુસન પહેલા આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના બોલર ટિમ સાઉથીના નામે હતો. ટિમ સાઉથીએ આ વર્લ્ડકપમાં યુગાન્ડા સામે આ રેકોર્ડ બનાવ્યો હતો. યુગાન્ડા સામે ટિમ સાઉથીએ 4 ઓવરમાં 4 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. T20 વર્લ્ડકપની એ જ આવૃત્તિમાં, યુગાન્ડાના ખેલાડી ફ્રેન્ક નસુબુગાએ PNG સામે 4 ઓવરના સ્પેલમાં 4 રન આપીને 2 વિકેટ લીધી હતી. તે T20 વર્લ્ડકપના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ કરનાર વિશ્વનો ત્રીજો ખેલાડી છે.
T20 ક્રિકેટમાં કોના નામે હતો આ રેકોર્ડ?
જો ટી20 ક્રિકેટના ઈતિહાસની વાત કરીએ તો અત્યાર સુધી આ સિદ્ધિ કેનેડિયન બોલર સાદ બિન ઝફરના નામે હતી. સાદ બિન ઝફરે નવેમ્બર 2021માં પનામા સામે શાનદાર સ્પેલ કર્યો હતો. સાદે આ મેચમાં ચારેય મેડન ઓવર નાંખી હતી અને 3 વિકેટ લીધી હતી.