• સિએટલ ઑર્કાસની સતત ત્રીજી જીત
  • પોઈન્ટ ટેબલ પર જાળવી રાખ્યું સ્થાન
  • 8 વિકેટે મેચ પોતાના નામે કરી

MLCની પ્રથમ સિઝનમાં વેન પર્નેલની કપ્તાનીમાં સિએટલ ઑર્કાસનું જોરદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. સિએટલ ઑર્કાસે ટેક્સાસ સુપર કિંગ્સ વિરુદ્ધ પોતાની ત્રીજી લીગ મેચને 8 વિકેટે પોતાના નામે કરી છે. સિએટલની ટીમે મેચમાં પ્રથમ બોલિંગ કરીને સુપર કિંગ્સને 127 રને ઓલઆઉટ કરી હતી. જે બાદ તેમણે 16 ઓવરમાં મેચ જીતી લીધી છે. આ જીતમાં કેપ્ટન વેન પર્નેલની ખૂબ સારી ભૂમિકા રહી છે.

ટોસ જીતીને બોલિંગ લીધી
સિએટલ ઑર્કાસે મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે બાદ ટેક્સાસ સુપર કિંગ્સની શરૂઆત બહુ ખરાબ જોવા મળી હતી. તેમણે પોતાની પ્રથમ વિકેટ શૂન્ય રને ગુમાવી હતી. 48ના સ્કોરે તો ટીમના 6 ખેલાડી આઉટ થયા હતા

127 રનમાં ઈનિંગ પૂર્ણ
સુપર કિંગ્સની ટીમને આ ગંભીર સ્થિતિમાંથી બહાર કાઢવા માટે ડ્વેન બ્રાવો અને ડેનિયલ સૈમ્સની જોડીએ પ્રયાસ કર્યો હતો. બંને વચ્ચે 56 રનની પાર્ટનરશીપ જોવા મળી હતી. બ્રાવો 39 રન અને સૈમ્સ 26 રન બનાવીને આઉટ થયા હતા. આ સાથે જ સુપર કિંગ્સની ઈનિંગ 127 રન પર પૂર્ણ થઈ હતી. સિએટલ માટે વેન પર્નલે 5 અને એન્ડ્રયૂ ટાયે 2 વિકેટ લીધી હતી. સાથે ગૈનન અને ઈમાદ વસીમે 1-1 વિકેટ પ્રાપ્ત કરી હતી.

ડી કૉક અને ક્લાસેને અપાવી જીત
128 રનનો પીછો કરવા ઉતરેલી સિએટલ ઑર્કાસની ટીમને ક્વિંટન ડી કૉક અને નૌમાન અનવરની જોડીએ શ્રેષ્ઠ શરૂઆત કરીને પ્રથમ વિકેટે 67 રનની પાર્ટનરશીપ કરી હતી. અનવર 19 રન બનાવીને આઉટ થયો હતો. સાથે ડી કૉક 53 રન પર મોહમ્મદ મોહસિનનો શિકાર બન્યો હતો. બીજી તરફ હેનરિક ક્લાસેને 21 બોલમાં 42 રનની અણનમ ઈનિંગ રમીને ટીમને 8 વિકેટે જીત અપાવી હતી. ઉલ્લેખનીય છે કે, ઓર્કોસની ટીમ અત્યાર સુધી 3 મેચ રમી છે અને આ ત્રણેય મેચમાં તેમની જીત થઈ છે. જેથી અત્યારે તે પોઈન્ટ્સ ટેબલ પર નંબર 1 પર યથાવત્ છે.

  • Follow us on: