- મહિશ તિક્ષ્ણા અને મથિશા પથિરાના ટીમ સાથે જોડાશે
- T20 વર્લ્ડકપ વિઝા માટે પોતાના દેશમાં પરત ફર્યા હતા
- IPL 2024માં CSK પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે
IPL 2024ની 49મી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવ્યું. આ હારથી ચેન્નાઈનો પ્લેઓફમાં જવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે. PBKS સામેની મેચમાં, CSK તેના 5 મેચ વિનર ખેલાડીઓ વિના મેદાનમાં ઉતર્યું હતું. જ્યારે કેટલાક ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા તો કેટલાક પોતાના દેશ પરત ફર્યા હતા. શ્રીલંકાના ખેલાડીઓ મહિશ તિક્ષ્ણા અને મથિશા પથિરાના T20 વર્લ્ડકપ 2024 માટે વિઝાની પ્રક્રિયાના કારણે તેમના દેશમાં પરત ફર્યા હતા.
બંને ખેલાડીઓ આજે ટીમ સાથે જોડાશે
જોકે હવે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સારા સમાચાર આવ્યા છે. પથિરાના અને તિક્ષ્ણા વર્લ્ડકપ માટે તેમની વિઝા પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ટીમ સાથે જોડાશે. ચેન્નાઈ સુપર કિંગ્સ રવિવારે તેની આગામી મેચમાં પંજાબ કિંગ્સ સામે ટકરાશે. આ મેચ ધર્મશાળામાં રમાશે. CSK ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 10 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
દીપક ચહર ઈજાગ્રસ્ત
ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર દીપક ચહર ઈજાગ્રસ્ત છે. આ કારણોસર તે છેલ્લી મેચ પણ રમી શક્યો ન હતો. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો CSKનો સ્ટાર બોલર દીપક ચહર આખી સિઝનમાંથી બહાર થઈ શકે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથે જણાવ્યું કે દીપક ચહર હજુ પણ ઈજાગ્રસ્ત છે. હું એમ નહીં કહું કે તે IPL 2024માંથી બહાર થઈ જશે, પરંતુ એટલું ચોક્કસ છે કે તેનું રમવું નિશ્ચિત નથી. તે બહાર પણ હોઈ શકે છે. ચેન્નાઈને આગામી મેચ પંજાબ કિંગ્સ સામે રમવાની છે. CSKના CEOએ પણ પુષ્ટિ કરી છે કે દીપક પંજાબ સામેની મેચમાં ઉપલબ્ધ હશે નહીં. આવી સ્થિતિમાં ટૂર્નામેન્ટની મધ્યમાં આ બંને ટીમોને આંચકો લાગશે.