- મેક્સ60 કેરેબિયન લીગ 2024 રમાઈ રહી છે
- આ લીગમાં 60-60 બોલની મેચો રમાય છે
- આ ટૂર્નામેન્ટમાં એક વિચિત્ર ઘટના જોવા મળી
મેક્સ60 કેરેબિયન લીગ 2024માં ચાહકોને દરરોજ એક કરતા વધુ મેચ જોવા મળી રહ્યા છે. આ લીગમાં 60-60 બોલની મેચો રમાય છે, જેમાં બાઉન્ડ્રીનો વરસાદ જોવા મળે છે. લીગ તબક્કામાં 5 ટીમો વચ્ચે સ્પર્ધા હતી. હવે સુપર-3 રાઉન્ડ રમાઈ રહ્યો છે. સિઝનની 22મી મેચ ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ અને ગ્રાન્ડ કેમેન જગુઆરની ટીમો વચ્ચે રમાઈ હતી. આ મેચ દરમિયાન એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સના બેટ્સમેને ગુસ્સામાં પોતાનું હેલ્મેટ બોલને બદલે બાઉન્ડ્રીની પાર ફેંકી દીધું. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બેટ્સમેને હેલ્મેટને બાઉન્ડ્રી પાર ફેંક્યું
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં વેસ્ટ ઈન્ડિઝનો પૂર્વ ઓલરાઉન્ડર કાર્લોસ બ્રેથવેટ જોવા મળી રહ્યો છે, જે આ લીગમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સ ટીમ તરફથી રમી રહ્યો છે. ગ્રાન્ડ કેમેન જગુઆર સામે રમાયેલી મેચમાં કાર્લોસ બ્રેથવેટને જોશ લિટલ દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન કાર્લોસ બ્રેથવેટ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યો હતો.
વાસ્તવમાં, કાર્લોસ બ્રેથવેટ કેચ આઉટ થયો હતો, પરંતુ બોલ તેના બેટને લાગ્યો ન હતો. આવી સ્થિતિમાં કાર્લોસ બ્રેથવેટ ખૂબ જ ગુસ્સામાં ડગઆઉટ તરફ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન બ્રેથવેટે ગુસ્સામાં પોતાની બેટ હેલ્મેટને મારીને બાઉન્ડ્રી પાર મોકલી દીધું હતું.
ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સે ફાઇનલમાં બનાવી જગ્યા
કાર્લોસ બ્રેથવેટ ખોટી રીતે આઉટ થયો હોવા છતાં તેની ટીમ મેચ જીતવામાં સફળ રહી હતી. મેચમાં ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સે પ્રથમ બેટિંગ કરતા 10 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 104 રન બનાવ્યા હતા. આ દરમિયાન કાર્લોસ બ્રેથવેટ 5 બોલમાં માત્ર 7 રન બનાવી શક્યો હતો. જ્યારે આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ગ્રાન્ડ કેમેન જગુઆરની ટીમ 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 96 રન જ બનાવી શકી હતી. ન્યૂયોર્ક સ્ટ્રાઈકર્સે સુપર 3 રાઉન્ડમાં અત્યાર સુધી 2 મેચ રમી છે અને તે બંને મેચ જીતવામાં સફળ રહી છે. આ સાથે તે ફાઈનલમાં પણ પહોંચી ગઈ છે.
કાર્લોસ બ્રેથવેટ કોણ છે?
કાર્લોસ બ્રેથવેટ એ જ ખેલાડી છે જેણે 2016 T20 વર્લ્ડકપમાં વેસ્ટ ઈન્ડિઝને ચેમ્પિયન બનાવ્યું હતું. કાર્લોસ બ્રેથવેટે ફાઈનલમાં સતત 4 સિક્સર ફટકારીને ઈંગ્લેન્ડની જીત છીનવી લીધી હતી. કાર્લોસ બ્રેથવેટે વેસ્ટ ઈન્ડિઝ માટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 3 ટેસ્ટ, 44 ODI અને 41 T20 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 1050 રન અને 75 વિકેટ હાંસલ કરી હતી.