- મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી
- કોલકાતા નાઈટ રાઈડર્સે 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો
- પેટ કમિન્સને હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો
IPL 2024ની હરાજીમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મિચેલ સ્ટાર્કને 24.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે સ્ટાર્ક IPLમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. સ્ટાર્ક પહેલા પણ IPLનો ભાગ રહી ચૂક્યો છે, પરંતુ તે પછી તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો હતો. હવે KKR સાથે જોડાયા અને ટૂર્નામેન્ટનો સૌથી મોંઘો ખેલાડી બન્યા બાદ સ્ટાર્કની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે.
મિચેલ સ્ટાર્કની પ્રતિક્રિયા
કોલકાતા નાઈટ રાઈડર્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સ્ટાર્કે KKR સાથે જોડાવા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. વીડિયોમાં સ્ટાર્ક ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તેણે KKR સાથે જોડાવા અને ઈડન ગાર્ડનમાં રમવા અંગે પ્રતિક્રિયા આપી છે. વિડિયોમાં, સ્ટાર્કે કહ્યું, હું આ વર્ષે IPLમાં KKR ટીમ સાથે જોડાઈને ખુબ જ ઉત્સાહિત છું અને હું ઈડન ગાર્ડન્સમાં રમવા અને ઘણી ભીડ અને વાતાવરણનો અનુભવ કરવા માટે રાહ જોઈ શકતો નથી.
આ પહેલા સ્ટાર્કનો આઈપીએલમાં રેકોર્ડ
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી IPLની બે સીઝન રમી ચૂક્યો છે. તેણે પોતાની કારકિર્દીમાં 27 મેચ રમી છે, જેમાં તેણે 26 ઇનિંગ્સમાં 20.38ની એવરેજથી 34 વિકેટ ઝડપી છે. આ સમયગાળા દરમિયાન તેણે 7.17ની ઇકોનોમી પર રન બનાવ્યા.
સનરાઇઝર્સ હૈદરાબાદે પેટ કમિન્સને મોટી રકમ આપી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને પણ મોટી રકમ મળી છે. કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે રૂ. 20.50 કરોડની બોલી લગાવીને ખરીદ્યો હતો. કમિન્સની બેઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા હતી. કમિન્સે તાજેતરમાં ભારતની ધરતી પર રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં કેપ્ટન તરીકે ઓસ્ટ્રેલિયાને ખિતાબ જીતાડ્યો હતો.