• મોહમ્મદ નબી ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચ્યો
  • શાકિબ અલ હસન 310 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો
  • ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોપ 10માં માત્ર એક ભારતીય

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ નબીને તેના સતત શાનદાર પ્રદર્શનનો ફાયદો થયો છે. ICC એ બુધવારે 14 ફેબ્રુઆરીએ નવી ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગ જાહેર કરી છે. જેમાં અફઘાનિસ્તાનનો પૂર્વ કેપ્ટન મોહમ્મદ નબી રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તે બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને હરાવીને ટોચના સ્થાને પહોંચ્યો હતો. નબીના હાલમાં 314 પોઈન્ટ છે, જ્યારે શાકિબ અલ હસન 310 પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.

શ્રીલંકા સામે જોરદાર પ્રદર્શન

મોહમ્મદ નબીએ શ્રીલંકા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. નબીએ શ્રીલંકા સામેની પ્રથમ વનડે મેચમાં શાનદાર સદી ફટકારી હતી. નબીએ 130 બોલનો સામનો કરીને 136 રન બનાવ્યા હતા. જે બાદ તેણે ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નબી જ્યારે ટોચના સ્થાને પહોંચ્યો ત્યારે તેણે એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો. હકીકતમાં, નબી ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી બની ગયો છે. આ પહેલા આ ખાસ રેકોર્ડ શ્રીલંકાના પૂર્વ ખેલાડી તિલકરત્ને દિલશાનના નામે હતો, જે 38 વર્ષ અને 8 મહિનાની ઉંમરમાં ICC ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો હતો.


શાકિબને ઝટકો લાગ્યો

બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ હાલ હસન લાંબા સમયથી ઈજાથી પરેશાન છે. ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ 2023માં શાકિબ હાલ હસન ટૂર્નામેન્ટ અધવચ્ચે છોડીને ઘરે પરત ફર્યો હતો. જે બાદ તેને આંખોમાં પણ તકલીફ થઈ હતી. જેના કારણે તે લાંબા સમયથી ટીમની બહાર છે. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશે પણ શાકિબને કેપ્ટન પદ પરથી હટાવી દીધો છે. શાકિબ લગભગ પાંચ વર્ષથી ICC ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં પ્રથમ સ્થાને હતો.

ટોપ 10માં માત્ર એક ભારતીય

14 ફેબ્રુઆરી બુધવારના રોજ તાજેતરની ICC રેન્કિંગમાં માત્ર એક ભારતીય ટોપ 10માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો હતો. ભારતીય ટીમનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 209 પોઈન્ટ સાથે 10મા સ્થાને છે. જાડેજાએ તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 2023 ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમી હતી. જે બાદ તેણે એક પણ વનડે મેચ રમી નથી.


  • Follow us on: