- WFI અને રેસલરો વચ્ચે ચાલી રહેલા વિવાદના લીધે લગાવાયો હતો પ્રતિબંધ
- UWWએ ભારતીય કુસ્તી સંઘ પરથી આ પ્રતિબંધ હટાવ્યો
- બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે કોઈ પગલાં લેવાશે નહીં
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય રેસલિંગ એસોસિએશન અને કુસ્તીબાજો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બોલાચાલી ચાલી રહી હતી. જે બાદ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું હતું. જો કે, હવે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ આ નિર્ણય બદલ્યો છે અને ભારતીય કુસ્તી સંઘ પરથી આ પ્રતિબંધ હટાવી દીધો છે. જોકે, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW) એ રાષ્ટ્રીય મહાસંઘ પાસે લેખિતમાં માંગ્યું છે કે તેઓ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે કોઈ પગલાં લેશે નહીં.
23 ઓગસ્ટ 2023ના રોજ લગાવાયો હતો પ્રતિબંધ
વાસ્તવમાં, ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગે આ પ્રતિબંધ લગાવ્યો હતો કારણ કે તે WFI ચૂંટણીમાં નિષ્ફળ ગઈ હતી. જે બાદ તેણે આ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. જો કે, આ પ્રતિબંધ હંગામી ધોરણે જ લગાવવામાં આવ્યો હતો. WFI એ 21 ડિસેમ્બરે ચૂંટણી યોજી હતી. જેમાં સંજય સિંહે 15માંથી 13 પદ પર જીત મેળવી હતી. 9 ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં આ નિર્ણય પર પુનર્વિચાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પ્રતિબંધ હટાવવામાં આવ્યો હતો.
વિરોધ કરી રહેલા રેસલરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં
હકીકતમાં, સસ્પેન્શન હટાવ્યા બાદ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે પણ કહ્યું હતું કે બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક સામે કોઈ કાર્યવાહી કરાશે નહીં. જેના માટે તેમણે નેશનલ ફેડરેશન પાસેથી લેખિતમાં માંગણી કરી છે. હવે સસ્પેન્શન હટાવ્યા બાદ ભારતીય ખેલાડીઓ યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા આયોજિત કોઈપણ રમતમાં રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે.