- મોહમ્મદ સિરાજ તાજેતરની ICC ODI બોલર રેન્કિંગમાં ચમક્યો
- શુભમન ગિલ બેટ્સમેનોની રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચ્યો
- રોહિત શર્મા-મહોમ્મદ શમીને પણ રેન્કિંગમાં ફાયદો થયો
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં શાનદાર બોલિંગ કરી રહેલો મોહમ્મદ સિરાજ ICC બોલરોની તાજેતરની ODI રેન્કિંગમાં નંબર-1 બોલર બની ગયો છે.
મોહમ્મદ સિરાજ ODIનો નંબર-1 બોલર
ભારતીય ક્રિકેટ ટીમને બે દિવસમાં બે સારા સમાચાર મળ્યા છે. એક દિવસ પહેલા ઈન્દોર ODIમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડિયા ODIમાં નંબર-1 ટીમ બની ગઈ હતી અને તેના બીજા જ દિવસે ભારતને વધુ એક સારા સમાચાર મળ્યા હતા. ઝડપી બોલર મોહમ્મદ સિરાજ ODIનો નંબર-1 બોલર બની ગયો છે અને તેણે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને પાછળ છોડી પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. તે પ્રથમ વખત ODIનો નંબર-1 બોલર બન્યો છે.
છેલ્લી 20 મેચમાં 37 વિકેટ ઝડપી
મોહમ્મદ સિરાજ માટે છેલ્લું 1 વર્ષ શાનદાર રહ્યું. તે 3 વર્ષની લાંબી રાહ જોયા બાદ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતીય ODI ટીમમાં પાછો ફર્યો હતો અને ત્યારથી તેણે અસાધારણ રીતે સારી બોલિંગ કરી છે. ત્યાર બાદ તેણે 20 મેચમાં 37 વિકેટ ઝડપી છે. એક દિવસ પહેલા જ તેને ગયા વર્ષની ICC ODI ટીમ ઓફ ધ યરમાં પણ સ્થાન મળ્યું હતું. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા અનુભવી બેટ્સમેન આ ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા.
સિરાજના 729 રેટિંગ પોઈન્ટ
સિરાજે શ્રીલંકા સામેની છેલ્લી ODI શ્રેણીમાં 9 વિકેટ લીધી હતી.જ્યારે આ ઝડપી બોલરે એક દિવસ પહેલા પૂર્ણ થયેલી ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં શાનદાર બોલિંગ કરી હતી. સિરાજે પ્રથમ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. ટોચ પર પહોંચેલા સિરાજના 729 રેટિંગ પોઈન્ટ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાનો જોશ હેઝલવુડ બીજા સ્થાને છે. તેના 727 રેટિંગ પોઈન્ટ છે.

શુભમન ગિલને રેન્કિંગમાં ઘણો ફાયદો
મોહમ્મદ સિરાજ સિવાય, મોહમ્મદ શમીએ પણ બોલરોની તાજેતરની ODI રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. 11 સ્થાનના ફાયદા તે 32મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે શુભમન ગિલને બેટ્સમેનોની રેન્કિંગમાં ઘણો ફાયદો થયો છે. તે 20 સ્થાનની છલાંગ લગાવીને સીધો છઠ્ઠા સ્થાને આવી ગયો છે. તેણે ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાં બેવડી સદી અને એક સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ એક સ્થાન ગુમાવ્યું છે. તે 7મા ક્રમે આવી ગયો છે અને ભારતીય કેપ્ટન રોહિત શર્માને એક સ્થાનનો ફાયદો થયો છે. તે 9મા સ્થાને આવી ગયો છે.