• ન્યુઝીલેન્ડે T20 વર્લ્ડકપ 2024 માટે ટીમ જાહેર કરી
  • ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે અનોખી રીતે કરી ટીમની જાહેરાત
  • ન્યુઝીલેન્ડે બે બાળકોને પ્રેસ કોન્ફરન્સમાં મોકલ્યા હતા

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ICC દ્વારા નિર્ધારિત સમયમર્યાદાના બે દિવસ પહેલા T20 વર્લ્ડકપ 2024 માટે 15-સભ્યની ટીમની જાહેરાત કરી હતી. કેન વિલિયમસનના નેતૃત્વમાં સ્ટાર ખેલાડીઓથી ભરેલી ટીમ પસંદ કરી હતી. જેમાં ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, ડેવોન કોનવે, ડેરીલ મિચેલ જેવા મોટા ખેલાડીઓ સામેલ છે. જોકે, જે રીતે કિવી ટીમની જાહેરાત કરવામાં આવી તેનાથી ક્રિકેટ અને સોશિયલ મીડિયાની દુનિયાને ચોંકાવી દીધી છે. એટલું જ નહીં, પરંતુ ગયા વર્ષે ભારતમાં યોજાયેલા ODI વર્લ્ડકપ માટે ન્યુઝીલેન્ડ ક્રિકેટે જે રીતે ટીમની જાહેરાત કરી હતી તેનાથી પણ બધાને આશ્ચર્ય થયું હતું.

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરવા માટે બે બાળકોને પ્રેસ કોન્ફરન્સમાં મોકલ્યા હતા. એંગસ નામનો છોકરો અને માટિલ્ડા નામની છોકરી પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપે છે. બંનેએ T20 વર્લ્ડકપ માટે પસંદ કરાયેલા તમામ ખેલાડીઓના નામ જાહેર કર્યા.

ODI વર્લ્ડકપમાં પણ અનોખી રીતે ટીમ જાહેર કરી

આ પહેલા કિવી ખેલાડીઓની પત્નીઓ અને પરિવારના અન્ય સભ્યોએ ગયા વર્ષે યોજાયેલા ODI વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત કરી હતી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ODI વર્લ્ડકપ માટે પસંદ કરાયેલા ખેલાડીઓની પત્નીઓ, બાળકો અને પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે. આ ખાસ સ્ટાઈલને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર ન્યુઝીલેન્ડ ક્રિકેટે બધાને ચોંકાવી દીધા છે.

કોચ ગેરી સ્ટેડે શું કહ્યું?

ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટેડે કહ્યું કે જૂનના પહેલા સપ્તાહમાં શરૂ થનારી T20 ટૂર્નામેન્ટ દરમિયાન ટીમો વચ્ચેની અલગ-અલગ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે. કિવી ટીમે તાજેતરમાં ઘણા સિનિયર ખેલાડીઓની ગેરહાજરીમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો કારણ કે સિનિયર ખેલાડીઓ IPLમાં વ્યસ્ત છે. માઈકલ બ્રેસવેલની કપ્તાનીમાં કિવી ટીમે પાકિસ્તાન સામેની પાંચ મેચોની સીરિઝ 2-2થી ડ્રો કરી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. આવી સ્થિતિમાં, આ ટીમ અનુભવીઓની વાપસીથી ઘણી મજબૂત દેખાઈ રહી છે.

ન્યુઝીલેન્ડની T20 વર્લ્ડકપ ટીમ

કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિચેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.

1લી મે સુધીમાં ટીમોની જાહેરાત કરવાની રહેશે

T20 વર્લ્ડ કપ 1લી જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમની જાહેરાત કરનાર ન્યૂઝીલેન્ડ પહેલો દેશ છે. ICCએ તમામ ટીમો માટે સંભવિત 15ની જાહેરાતની છેલ્લી તારીખ 1 મે સુધી રાખી છે. ભારતીય ટીમની જાહેરાત 1 મેના રોજ થવાની શક્યતા છે. કીવી ટીમ પોતાના અભિયાનની શરૂઆત 7 જૂને અફઘાનિસ્તાન સામેની મેચથી કરશે. તે જ સમયે, ભારતીય ટીમ તેની પ્રથમ મેચ 5 જૂને આયર્લેન્ડ સામે રમશે.

  • Follow us on: