- ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝ
- ઓસ્ટ્રેલિયાની બીજી ટેસ્ટમાં 3 વિકેટે શાનદાર જીત
- ઓસ્ટ્રેલિયાએ સીરિઝ પણ 2-0થી કબજે કરી લીધી
ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી અને છેલ્લી મેચ હેગલી ઓવલ ખાતે રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ આ રોમાંચક મેચ 3 વિકેટે જીતી લીધી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયાએ સીરિઝ પણ 2-0થી કબજે કરી લીધી છે. એક સમયે મેચની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ માત્ર 80 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી. પરંતુ ક્રિઝ પર હાજર એલેક્સ કેરી અને મિચેલ માર્શે શાનદાર ઇનિંગ્સ રમી અને ટીમને જીત તરફ દોરી હતી.
એલેક્સ કેરી-મિચેલ માર્શે લાજ બચાવી
એક સમયે બીજી ટેસ્ટ મેચ પર ન્યુઝીલેન્ડની પકડ મજબૂત જણાતી હતી. શરૂઆતમાં ન્યૂઝીલેન્ડના બોલરો ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો પર પ્રભુત્વ જમાવી રહ્યા હતા, પરિણામે કાંગારૂ ટીમે 80 રનની અંદર 5 વિકેટ ગુમાવી દીધી હતી. મેચમાં એવું લાગી રહ્યું હતું કે ન્યુઝીલેન્ડ આસાનીથી મેચ જીતી જશે પરંતુ મિચેલ માર્શ અને એલેક્સ કેરીના ઈરાદા અલગ હતા. આ બંને બેટ્સમેનોએ માત્ર દાવને સંભાળ્યો જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને જીત તરફ પણ દોરી હતી. બીજી ઇનિંગમાં બેટિંગ કરતા એલેક્સ કેરી 98 રન બનાવીને અણનમ રહ્યો હતો જ્યારે મિચેલ માર્શે 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
જીત માટે 278 રનનો ટાર્ગેટ હતો.
ઓસ્ટ્રેલિયાને બીજી ટેસ્ટ મેચ જીતવા માટે 278 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે કાંગારુ ટીમે 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી બીજા દાવમાં બેટિંગ કરતા એલેક્સ કેરીએ 98*, મિચેલ માર્શે 80 અને કેપ્ટન પેટ કમિન્સે અણનમ 32 રન બનાવ્યા હતા. આ મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર એલેક્સ કેરીને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
સમગ્ર સીરિઝ દરમિયાન શાનદાર બોલિંગ કરનાર કિવી ઝડપી બોલર મેટ હેનરીને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. બીજી ઇનિંગમાં બોલિંગ કરતી વખતે મેટ હેનરીએ 2 વિકેટ પોતાના નામે કરી હતી. હેનરીએ પ્રથમ દાવમાં 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય બીજી ઇનિંગમાં કિવી ટીમ માટે બોલિંગ કરતી વખતે બેન સીયર્સે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી હતી.