એશિયન ગેમ્સ 2026માં ભારતના પ્રદર્શનને લઈને સ્પોર્ટ્સ મંત્રાલય હવે સમીક્ષા બેઠક યોજશે. 13 ઓક્ટોબરે રમત મંત્રાલય અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાવાની છે. તેમાં ગેમ્સ દરમિયાન કયા રમતોમાં અપેક્ષા મુજબ પરિણામ ન આવ્યું અને ક્યાં સુધારાની જરૂર છે તેની ચર્ચા થશે. ભારતે Aichi-Nagoya એશિયન ગેમ્સમાં કુલ 85 મેડલ જીત્યા હતા. તેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહ્યું હતું. જોકે 2022ની હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ભારતે રેકોર્ડ 106 મેડલ જીત્યા હતા. એટલે આ વખતે કુલ મેડલમાં 21નો ઘટાડો થયો છે.

બેડમિન્ટન, શૂટિંગ અને એથ્લેટિક્સ પર નજર

સમીક્ષામાં ખાસ કરીને બેડમિન્ટન, શૂટિંગ અને એથ્લેટિક્સ જેવા રમતોમાં અપેક્ષા મુજબનું પરિણામ ન મળવા અંગે ચર્ચા થવાની છે. બેડમિન્ટનમાં ભારતને માત્ર એક બ્રોન્ઝ મેડલ મળ્યો હતો, જ્યારે શૂટિંગમાં 15 મેડલ મળ્યા હતા. જોકે અગાઉની એશિયન ગેમ્સની સરખામણીમાં શૂટિંગનું પ્રદર્શન ઘટ્યું હતું. એથ્લેટિક્સમાં ભારતે 24 મેડલ જીત્યા હતા, પરંતુ અગાઉની આવૃત્તિ કરતાં આ સંખ્યા 5 મેડલ ઓછી હતી. બીજી તરફ આર્ચરી, બોક્સિંગ, રેસલિંગ અને ટીમ સ્પોર્ટ્સમાં ભારતે સારો દેખાવ કર્યો હતો.

TOPSના પૈસાની પણ થશે સમીક્ષા

આ બેઠકમાં સરકારની Target Olympics Podium Scheme (TOPS) હેઠળ ખેલાડીઓને આપવામાં આવતા ફંડની પણ સમીક્ષા કરવામાં આવશે. સ્પોર્ટ્સ મંત્રાલયના એક સૂત્રના જણાવ્યા મુજબ, અનુભવી ખેલાડીઓ પાછળ મોટી રકમ ખર્ચવામાં આવી હોવા છતાં કેટલાક ખેલાડીઓ અપેક્ષા મુજબ મેડલ જીતી શક્યા નથી. રિપોર્ટ મુજબ એશિયન ગેમ્સની તૈયારી માટે ત્રણ વર્ષના ચક્રમાં ખેલાડીઓ પાછળ ₹700 કરોડથી વધુ ખર્ચ થયો હોવાનો મંત્રાલયના સૂત્રનો દાવો છે. હવે આ રોકાણનું પરિણામ કેટલું મળ્યું અને આગળ ફંડિંગમાં શું ફેરફાર કરવાની જરૂર છે તેની ચર્ચા થઈ શકે છે.

ગેમ્સમાં પહોંચ્યા બાદ ઈજાની માહિતી કેમ?

સમીક્ષામાં બીજો મહત્વનો મુદ્દો ખેલાડીઓની ઈજાઓ રહેશે. મંત્રાલયના સૂત્રોએ સવાલ ઉઠાવ્યો છે કે કેટલાક ખેલાડીઓએ એશિયન ગેમ્સમાં પહોંચ્યા બાદ ઈજાની માહિતી આપી હતી. આવી સ્થિતિમાં તેમની તૈયારી પાછળ કરવામાં આવેલા ખર્ચ અને ટીમમાં તેમની પસંદગી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. મંત્રાલય હવે એ સમજવાનો પ્રયાસ કરશે કે ખેલાડીઓની તૈયારી, પસંદગી અને ગેમ્સ સુધીની પ્રક્રિયામાં ક્યાં સુધારો કરી શકાય.

ભારતના પ્રદર્શનમાં સારા પાસાં પણ રહ્યા

મેડલની સંખ્યા ઘટી હોવા છતાં ભારત માટે એશિયન ગેમ્સ સંપૂર્ણપણે નિરાશાજનક રહી નહોતી. આર્ચરીમાં ભારતે 5 ગોલ્ડ સહિત 9 મેડલ, બોક્સિંગમાં 3 ગોલ્ડ સહિત 6 અને રેસલિંગમાં 6 મેડલ જીત્યા હતા. ક્રિકેટ, હોકી અને કબડ્ડીમાં ભારતે પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ગોલ્ડ જીત્યા હતા. પુરુષ હોકી ટીમે મલેશિયાને 5-1થી હરાવીને ગોલ્ડ જાળવી રાખ્યો, જ્યારે પુરુષ ક્રિકેટ ટીમે ફાઇનલમાં પાકિસ્તાનને 19 રનથી હરાવ્યું હતું. મહિલા હોકી ટીમે પણ ગોલ્ડ જીતીને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી ક્વાલિફિકેશન મેળવી હતી.

આગળના મોટા લક્ષ્યો માટે સમીક્ષા મહત્વની

ભારત હવે 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સ અને લાંબા ગાળે 2036 ઓલિમ્પિક્સની તૈયારી તરફ આગળ વધી રહ્યું છે. તેથી એશિયન ગેમ્સમાં ક્યાં સફળતા મળી અને ક્યાં ખામી રહી તેની આ સમીક્ષા આગામી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ માટેની તૈયારીમાં મહત્વની બની શકે છે.

આ પણ વાંચો: Nana Patekar: ગોલ્ડ મેડલિસ્ટ લવલિનાનું સપનું અધૂરું રહી ગયું, નાના પાટેકરને લઈને કહી મોટી વાત