ફ્રેન્ચ ઓપન 2026 માંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.ટૂર્નામેન્ટના આયોજકોએ પેરાગ્વેના ટેનિસ ખેલાડી એડોલ્ફો ડેનિયલ વાલેજો પર મહિલા અમ્પાયર વિરુદ્ધ વિવાદાસ્પદ અને લિંગભેદ આધારિત ટિપ્પણી કરવા બદલ 65,000 યુરોનો ભારે દંડ ફટકાર્યો છે.આ આકરો દંડ વાલેજોની આ ટૂર્નામેન્ટની કુલ કમાણીના લગભગ અડધા ભાગ જેટલો છે.સ્પોર્ટ્સ જગતમાં મહિલાઓના સન્માન અને શિસ્ત જાળવવા માટે આયોજકો દ્વારા લેવાયેલા આ કડક પગલાની ભારે ચર્ચા થઈ રહી છે.

હાર્યા બાદ મહિલા અમ્પાયર પર કાઢ્યો ગુસ્સો

આ સમગ્ર વિવાદ ફ્રેન્ચ ઓપનના બીજા રાઉન્ડની મેચ બાદ શરૂ થયો હતો. આ રાઉન્ડમાં પેરાગ્વેના એડોલ્ફો ડેનિયલ વાલેજો અને ફ્રાન્સના યુવા ખેલાડી મોઇસ કુઆમે વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. લગભગ પાંચ કલાક સુધી ચાલેલી આ પાંચ સેટની થકવી નાખતી મેચમાં વાલેજોનો પરાજય થયો હતો. મેચ હાર્યા બાદ ગુસ્સામાં વાલેજોએ બ્રાઝિલના મહિલા અમ્પાયર એના કાર્વાલ્હોની નકારાત્મક ટીકા કરી હતી. તેણે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, “એક પુરુષે આ રીતે મેચનું સંચાલન કરવું જોઈએ. એક મહિલા માટે આ કામ કરવું ખૂબ મુશ્કેલ છે.

આયોજકોએ લીધા આકરા પગલાં

ફ્રેન્ચ ઓપનના ડિરેક્ટર એમેલી મૌરેસ્મોએ વાલેજોના આ નિવેદનની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને તેની સામે આકરા નાણાકીય દંડની પુષ્ટિ કરી હતી.મૌરેસ્મોએ જણાવ્યું કે ટેનિસ કોર્ટ પર આ પ્રકારનું વર્તન તદ્દન અસ્વીકાર્ય છે. અમે એ સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવા ભેદભાવયુક્ત નિવેદનો માટે અમારી ટૂર્નામેન્ટમાં કોઈ સ્થાન નથી.ફ્રેન્ચ ઓપનના નિયમો અનુસાર બીજા રાઉન્ડમાં પહોંચનારા ખેલાડીને 1,30,000 યુરોની ઈનામી રકમ મળે છે, પરંતુ આ દંડને કારણે વાલેજોની કમાણી હવે સીધી અડધી થઈ ગઈ છે.

ખેલાડીએ વિરોધી ખેલાડી પર લગાવ્યા આક્ષેપ

બીજી તરફ, વિવાદ વધતા વાલેજોએ પોતાના વલણનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેનો હેતુ અમ્પાયરની તકનીકી ક્ષમતા પર સવાલ ઉઠાવવાનો નહોતો, પરંતુ કોર્ટ પર હાજર ઉશ્કેરાયેલી ભીડને નિયંત્રિત કરવાનો હતો. તેણે દાવો કર્યો કે સ્થાનિક ફ્રેન્ચ ખેલાડી કુઆમેને દર્શકોનો ભારે સપોર્ટ હતો અને સ્ટેડિયમમાં હાજર મોટી ભીડ સામે મક્કમ રહેવા માટે ઘણી શારીરિક અને માનસિક તાકાતની જરૂર પડે છે, જે પુરુષ અમ્પાયર વધુ સારી રીતે કરી શક્યા હોત. વધુમાં, તેણે વિરોધી ખેલાડી કુઆમે પર મેચ દરમિયાન જાણીજોઈને વારંવાર નીચે પડી જઈને સમય બગાડવાનો અને મેચ ધીમી કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.

આ પણ વાંચો - Vaibhav Suryavanshi: ક્રિકેટર વૈભવ સૂર્યવંશી પર IIM કરશે સ્ટડી, 15 વર્ષમાં કેવી રીતે બન્યો સિક્સર કિંગ ?