જર્મનીના ટેનિસ ખેલાડી અલેકઝાન્ડર ઝ્વેરેવે શાનદાર રમતનું પ્રદર્શન કરીને 2026 US Openનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે ન્યૂયોર્કમાં રમાયેલી પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ઝ્વેરેવે અમેરિકાના બેન શેલ્ટનને 6-3, 7-6 (2), 5-7, 6-2થી હરાવ્યો હતો. આ જીત સાથે ઝ્વેરેવે પોતાના કારકિર્દીનો બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો છે.ઘરઆંગણે રમતા 23 વર્ષના બેન શેલ્ટન પાસેથી અમેરિકન ચાહકોને ઘણી આશા હતી. અમેરિકાને આશા હતી કે 2003માં એન્ડી રૉડિક બાદ પ્રથમ વખત કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમનું ટાઇટલ જીતશે. જોકે, ઝ્વેરેવે શરૂઆતથી જ દબદબો જાળવી રાખ્યો અને શેલ્ટનની આ ઐતિહાસિક તક અધૂરી રહી ગઈ.
પ્રથમ સેટથી જ ઝ્વેરેવનો દબદબો
શેલ્ટન પોતાના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં રમવા ઉતર્યા હતા અને શરૂઆતથી જ તેમના પર દબાણ જોવા મળ્યું.પ્રથમ સેટના શરૂઆતના ગેમમાં ડબલ ફૉલ્ટના કારણે ઝ્વેરેવે ફાયદો ઉઠાવ્યો. જર્મન ખેલાડીએ આ તકનો ઉપયોગ કરીને પ્રથમ સેટ 6-3થી જીતી લીધો.બીજા સેટમાં શેલ્ટને વાપસી કરવાનો પ્રયાસ કર્યો અને બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો. જોકે, ટાઇબ્રેકમાં ઝ્વેરેવે શાનદાર રમત બતાવી અને 7-2થી સેટ જીતીને મેચમાં પોતાની પકડ વધુ મજબૂત કરી.
શેલ્ટને ત્રીજા સેટમાં કરી વાપસી
ત્રીજા સેટમાં બેન શેલ્ટને શાનદાર વાપસી કરી. અમેરિકન ખેલાડીએ દબાણ વચ્ચે પોતાની રમતને વધુ મજબૂત બનાવી અને 7-5થી સેટ પોતાના નામે કર્યો. આ સાથે સ્ટેડિયમમાં હાજર અમેરિકન ચાહકોમાં ફરી આશા જાગી હતી.શેલ્ટનને પ્રોત્સાહન આપવા માટે તેમની ગર્લફ્રેન્ડ અને અમેરિકન ફૂટબોલ ખેલાડી ટ્રિનિટી રોડમેન પણ ફાઇનલ જોવા પહોંચી હતી. તે વૉશિંગ્ટનમાં પોતાનો મેચ પૂર્ણ કર્યા બાદ સમયસર ન્યૂયોર્ક પહોંચી હતી.જોકે, ચોથા સેટમાં ઝ્વેરેવે શેલ્ટનને કોઈ તક આપી નહોતી. તેમણે શરૂઆતથી જ આક્રમક રમત જાળવી રાખી અને 6-2થી સેટ જીતીને મેચ સાથે US Openની ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી.
ઝ્વેરેવ માટે યાદગાર વર્ષ
2026 ઝ્વેરેવ માટે અત્યાર સુધીનું શાનદાર વર્ષ રહ્યું છે. તેમણે આ વર્ષે ફ્રેન્ચ ઓપનમાં કારકિર્દીનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. હવે US Openમાં પણ ચેમ્પિયન બનીને તેમણે પોતાના નામે બીજો મોટો ખિતાબ નોંધાવ્યો છે.ખાસ વાત એ છે કે 2020માં US Openની ફાઇનલમાં મળેલી હાર બાદ ઝ્વેરેવે આ વખતની જીત સાથે જૂની નિરાશાને પણ પાછળ છોડી દીધી છે. આ ઉપરાંત, તેઓ પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમમાં નંબર-1 સીડ તરીકે રમ્યા હતા અને આ જવાબદારીને તેમણે ખિતાબ જીતીને સાબિત કરી બતાવી.
https://x.com/usopen/status/2099264457570488500?s=20
શેલ્ટનની હારથી અમેરિકાની આશા ફરી અધૂરી
બેન શેલ્ટનની હાર સાથે અમેરિકન પુરુષ ટેનિસનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબનો ઇંતેજાર યથાવત રહ્યો છે.એન્ડી રૉડિકે 2003માં US Open જીત્યા બાદ કોઈ અમેરિકન પુરુષ ખેલાડી ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન બની શક્યો નથી.શેલ્ટન પાસે 1968માં આર્થર ઍશ બાદ US Open પુરુષ સિંગલ્સ ખિતાબ જીતનારા પ્રથમ અશ્વેત ખેલાડી બનવાની પણ તક હતી. પરંતુ ઝ્વેરેવે આ તક છીનવી લીધી. આ હાર બાદ શેલ્ટન સામે ઝ્વેરેવનો રેકોર્ડ હવે 6-0 થઈ ગયો છે.US Open 2026ની મહિલા સિંગલ્સમાં એલેના રિબાકિનાએ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્યના સબાલેન્કાને હરાવીને ખિતાબ જીત્યો હતો. હવે પુરુષ સિંગલ્સમાં ઝ્વેરેવના વિજય સાથે આ વર્ષની US Open સ્પર્ધાનો પણ અંત આવ્યો છે.
આ પણ વાંચો - Junior Women Asia Cup : ભારતીય દીકરીઓએ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ચીનને હરાવીને ચેમ્પિયન બન્યું