પાકિસ્તાનના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જેવલિન થ્રોઅર અરશદ નદીમે 21 ઓગસ્ટે યોજાનારી લોઝન ડાયમંડ લીગમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. આ નિર્ણય સાથે જ ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા અને અરશદ નદીમ વચ્ચેનો સંભવિત મુકાબલો પણ હવે જોવા નહીં મળે.

કેમ લીધો આ નિર્ણય?

અરશદ નદીમ હાલમાં લાહોરમાં ટ્રેનિંગ કરી રહ્યો છે. તેમના લાંબા સમયથી જોડાયેલા કોચ સલમાન બટના જણાવ્યા અનુસાર, અરશદ નદીમ ટૂંક સમયમાં દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રૂમ જશે. ત્યાં તેઓ પોતાના કોચ ટર્સિયસ લિબેનબર્ગ અને સ્થાનિક કોચની દેખરેખ હેઠળ કેટલાક અઠવાડિયા સુધી વિશેષ તાલીમ લેશે.

અરશદ નદીમે લોઝન ડાયમંડ લીગમાં નહીં રમવાનો નિર્ણય આગામી મોટી સ્પર્ધાઓની તૈયારીને ધ્યાનમાં રાખીને લીધો છે. તેમનું મુખ્ય ધ્યાન આ વર્ષે યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ અલ્ટિમેટ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ પર છે. દક્ષિણ આફ્રિકામાં યોજાનાર ટ્રેનિંગ કેમ્પ દ્વારા તેઓ પોતાની ટેકનિક અને ફિટનેસમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.

ત્રણ પ્રયાસ બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો

ગ્લાસગોમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સ 2026માં અરશદ નદીમનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. તે ફાઈનલ માટે ક્વોલિફાય તો થયો હતો, પરંતુ ફાઈનલમાં શરૂઆતના ત્રણ પ્રયાસ બાદ ટોપ-8માં સ્થાન મેળવી શક્યો ન હતો. આ ખરાબ પ્રદર્શન બાદ તેમને ટીકા પણ સહન કરવી પડી હતી. બીજી તરફ નીરજ ચોપરાએ કોમનવેલ્થ ગેમ્સમાં 85.83 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

અરશદ નદીમ આગામી મોટી સ્પર્ધાઓ માટે પોતાની તૈયારીઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. દક્ષિણ આફ્રિકાની ટ્રેનિંગ બાદ તેમની આગામી સ્પર્ધાઓમાં પ્રદર્શન પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન