હોકી મેન્સ એશિયા કપ 2025ની રાજગીરમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ટીમે આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. જેના કારણે ટુર્નામેન્ટની મેચોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે.
એશિયા કપ 2025નું નવું શેડ્યૂલ પણ જાહેર કરવામાં આવ્યું છે. બિહારના રાજગીરમાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લેવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર દરમિયાન રમાશે.
એશિયા કપ 2025ના શેડ્યૂલમાં ફેરફાર
ટુર્નામેન્ટમાંથી પાકિસ્તાન બહાર થયા બાદ બાંગ્લાદેશ હોકી ટીમે તેનું સ્થાન લીધું છે. ટુર્નામેન્ટમાં 8 ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. પૂલ A માં ભારત, જાપાન, ચીન અને કઝાકિસ્તાનની ટીમોનો સમાવેશ થાય છે. પૂલ B માં મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચાઈનીઝ તાઈપેઈની ટીમોનો સમાવેશ થાય છે.
આ ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમ 29 ઓગસ્ટે ચીન સામે પોતાની પહેલી મેચ રમશે. 29 ઓગસ્ટે કુલ 4 મેચ રમવાની છે. ગ્રુપ સ્ટેજ મેચો પછી 4 ટીમો સુપર 4 માં જશે. જ્યાં પોઈન્ટ ટેબલની ટોપની 2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
સુરક્ષાનો હવાલો આપીને પાકિસ્તાને પાછું ખેંચ્યું નામ
ઘણા સમયથી એશિયા કપ 2025માંથી પાકિસ્તાન ટીમના દૂર જવાની અટકળો ચાલી રહી હતી. લગભગ એક મહિના પહેલા પાકિસ્તાન હોકી ફેડરેશને સુરક્ષા કારણોસર ટીમને ભારત મોકલવાની ના પાડી હતી. તેમ છતાં ભારત સરકારે ખેલદિલી બતાવી અને પાકિસ્તાન ટીમના ખેલાડીઓને વિઝા આપ્યા, પરંતુ છેલ્લી ક્ષણે પાકિસ્તાને સત્તાવાર રીતે ટુર્નામેન્ટમાંથી ખસી જવાની જાહેરાત કરી.