હોકીના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો જોવા નહીં મળે. પાકિસ્તાને આ ટુર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેના સ્થાને બાંગ્લાદેશની ટીમને ટુર્નામેન્ટમાં સામેલ કરવામાં આવી છે.આ ટુર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન પંજાબના જાલંધર અને મોહાલીમાં રમાવાની છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત 27 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચથી કરશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની હોકીની ટક્કર જોવા આતુર ચાહકો માટે આ સમાચાર નિરાશાજનક છે.

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 6 દેશો વચ્ચે ટક્કર

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026માં એશિયાની 6 ટીમો ભાગ લેશે. તેમાં ભારત, મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે.ભારતીય ટીમ વર્તમાન ચેમ્પિયન છે અને એશિયન ગેમ્સમાં પણ સુવર્ણચંદ્રક જીતી ચૂકી છે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારતે અત્યાર સુધી 5 વખત ખિતાબ જીત્યો છે. તેથી આ વખતે પણ ભારતીય ટીમ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.પાકિસ્તાનની ગેરહાજરીમાં બાંગ્લાદેશને પોતાની ક્ષમતા સાબિત કરવાની તક મળશે. બીજી તરફ, ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ચેમ્પિયન બનવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

જાલંધરમાં લીગ મેચો, મોહાલીમાં સેમિફાઇનલ અને ફાઇનલ

ટુર્નામેન્ટની શરૂઆત 27 ઓક્ટોબરે થશે. જાલંધરમાં 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી લીગ તબક્કાની તમામ મેચો રમાશે. ત્યાર બાદ ટુર્નામેન્ટના અંતિમ તબક્કાની મેચો મોહાલીમાં યોજાશે.સેમિફાઇનલ મેચો 4 નવેમ્બરે રમાશે, જ્યારે કાંસ્યચંદ્રક અને સુવર્ણચંદ્રક માટેની મેચો 5 નવેમ્બરે યોજાશે. આ મુકાબલા ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાશે.

https://x.com/ANI/status/2108517880983945620?s=20

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનું ફોર્મેટ શું છે?

ટુર્નામેન્ટમાં તમામ 6 ટીમો રાઉન્ડ-રોબિન લીગ પદ્ધતિથી રમશે. દરેક ટીમ અન્ય 5 ટીમો સામે એક-એક મેચ રમશે. લીગ તબક્કો પૂર્ણ થયા બાદ પોઇન્ટ ટેબલની ટોચની 4 ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ મેળવશે.

ભારતની નજર છઠ્ઠા ખિતાબ પર

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારત સૌથી સફળ ટીમ છે. ભારતીય ટીમે 2011, 2016, 2018, 2023 અને 2024માં ખિતાબ જીત્યો હતો.હવે 2026માં ભારતીય ટીમ છઠ્ઠો ખિતાબ જીતવા માટે મેદાનમાં ઉતરશે. જોકે, મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન જેવી ટીમો પણ ભારતીય ટીમને પડકાર આપી શકે છે.પાકિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થતાં ભારત-પાકિસ્તાનની ટક્કર જોવા નહીં મળે, પરંતુ ટાઇટલ માટેની સ્પર્ધા રોમાંચક રહેવાની અપેક્ષા છે.

આ પણ વાંચો- ASEAN ચેમ્પિયનશિપ સ્કેન્ડલ, ફૂટબોલ જગતમાં હડકંપ, સોકફાચાન લુએન્થાલા ફિક્સિંગ કેસમાં ધરપકડ