મેચ ફિક્સિંગ અને સ્પોટ ફિક્સિંગ જેવા કૌભાંડોને કારણે ક્રિકેટની રમત વારંવાર બદનામ થતી રહી છે, જ્યાં બુકીઓની લાલચમાં આવીને અનેક ખેલાડીઓએ રમતને કલંકિત કરી છે. જોકે, હવે આવો જ એક સનસનાટીભર્યો ફિક્સિંગનો કિસ્સો ફૂટબોલની દુનિયામાંથી સામે આવ્યો છે. લાઓસ ફૂટબોલ ટીમના 24 વર્ષીય સ્ટાર વિંગર સોકફાચાન લુએન્થાલા (Sokphachchanh Luanthala) પર ગંભીર આરોપોસર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.
બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'નો મોટો ખુલાસો
બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયન'ના એક અહેવાલ મુજબ, લાઓસ રાષ્ટ્રીય ટીમ માટે 20 આંતરરાષ્ટ્રીય મેચ રમનાર સોકફાચાન લુએન્થાલાની સ્થાનિક પોલીસે મેચ ફિક્સિંગના આરોપસર અટકાયત કરી છે. તેના પર ગેરકાયદેસર સટ્ટાબાજી અને લાંચ લેવા જેવા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. લાઓ ફૂટબોલ એસોસિએશન દ્વારા આંતરિક તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ આ કેસ વધુ તપાસ માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો.
ASEAN ચેમ્પિયનશિપ 2026 સાથે જોડાયેલો છે આખો મામલો
આ સમગ્ર કૌભાંડ જુલાઈ 2026માં યોજાયેલી ASEAN ચેમ્પિયનશિપ સાથે જોડાયેલું છે. આ ટુર્નામેન્ટમાં લાઓસની ટીમનું પ્રદર્શન અત્યંત શરમજનક રહ્યું હતું અને તે પોતાના ગ્રુપમાં 5મા સ્થાને રહી હતી:
ટીમનું ખરાબ પ્રદર્શન: લાઓસ પોતાની તમામ 4 મેચ હારી ગયું હતું, જેમાં ટીમે માત્ર 3 ગોલ કર્યા હતા અને સામે 20 ગોલ ગુમાવ્યા હતા.
સંડોવણી: સોકફાચાન લુએન્થાલા આ 4 માંથી 3 મેચોમાં પ્લેઇંગ-૧૧ નો ભાગ હતો.
તપાસની શરૂઆત: ટીમના સતત અને શંકાસ્પદ ખરાબ પ્રદર્શન બાદ લાઓ ફૂટબોલ ફેડરેશન (LFF) એ તપાસ હાથ ધરી હતી, જેમાં પૂછપરછ દરમિયાન સોકફાચાનનું નામ મુખ્ય ષડયંત્રકારી તરીકે સામે આવ્યું હતું.
વિયેતનામી સટ્ટાબાજી સિન્ડિકેટ સાથે સેટિંગ
અહેવાલોના આધારે મળતી માહિતી મુજબ, સોકફાચાન લુએન્થાલા માત્ર પોતે જ ફિક્સિંગમાં સામેલ નહોતો, પરંતુ તે ટીમના અન્ય સાથી ખેલાડીઓને પણ ફિક્સિંગની સૂચનાઓ આપી રહ્યો હતો. તેના પર વિયેતનામ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ગેરકાયદેસર સટ્ટાબાજી સંસ્થા (Betting Syndicate) માટે કામ કરવાનો અને મેચના પરિણામો પ્રભાવિત કરવાનો આરોપ છે. LFF એ આ તમામ પુરાવા પોલીસને સોંપતા જ આ ખેલાડીની વિધિવત ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Nana Patekar: 40ની ઉંમરે હાથમાં રાઈફલ, નેશનલ ચેમ્પિયનશિપમાં જીત્યો મેડલ