નાના પાટેકરનું નામ બોલતા જ તેમની દમદાર એક્ટિંગ અને ડાયલોગ ડિલિવરી યાદ આવે છે, પરંતુ તેમનો એક અલગ ચહેરો રમતગમત સાથે જોડાયેલો હતો. 75 વર્ષની ઉંમરે 8 ઓક્ટોબર 2026ના રોજ ગોવામાં કાર્ડિયાક અરેસ્ટથી તેમના નિધન બાદ તેમની આ રમતગમતની સફર પણ ચર્ચામાં આવી છે. નાનાને બાળપણથી જ ક્રિકેટનો શોખ હતો. તેઓ મુંબઈના શિવાજી પાર્કમાં ક્રિકેટ રમતા હતા અને ઓફ-સ્પિન બોલિંગ કરતા હતા. આ જ મેદાન પર તે સમયના અનેક જાણીતા ક્રિકેટરો પણ રમતા હતા. નાણાકીય મુશ્કેલીઓને કારણે તેઓ નિયમિત કોચિંગ લઈ શક્યા નહોતા, પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. 

વિરાટ કોહલી હતા ફેવરિટ

ક્રિકેટ પ્રત્યેનો નાનાનો પ્રેમ માત્ર બાળપણ પૂરતો મર્યાદિત નહોતો. તેઓ પછીના વર્ષોમાં પણ ક્રિકેટને ખૂબ નજીકથી ફોલો કરતા હતા. ખાસ કરીને વિરાટ કોહલી તેમની પસંદગીના ક્રિકેટરોમાં સામેલ હતા. નાનાએ એક વખત જણાવ્યું હતું કે જો વિરાટ કોહલી વહેલો આઉટ થઈ જાય તો તેમનો મૂડ પણ બગડી જતો હતો અને તેમને જમવાનું મન પણ ન થતું. આ વાતથી અંદાજ આવે છે કે ક્રિકેટ તેમના માટે માત્ર સમય પસાર કરવાનો શોખ નહોતો, પરંતુ તેનાથી તેઓ ભાવનાત્મક રીતે પણ જોડાયેલા હતા. 

40ની ઉંમર પછી શૂટિંગ તરફ વળ્યા

ક્રિકેટ બાદ નાનાને રાઈફલ શૂટિંગમાં રસ પડ્યો અને આ શોખને તેમણે ગંભીરતાથી લીધો. તેઓ 40ની ઉંમર પછી રાઈફલ શૂટિંગની પ્રેક્ટિસ કરવા લાગ્યા હતા. 2001ની આસપાસ તેમણે સ્પર્ધાત્મક શૂટિંગમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. તેઓ 50 મીટર રાઈફલ પ્રોન અને 300 મીટર બિગ બોર જેવી સ્પર્ધાઓમાં ઉતર્યા હતા. શૂટિંગમાં તેમની કારકિર્દીનો મોટો મુકામ 2004માં આવ્યો હતો. ઈન્દોરમાં યોજાયેલી 48મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે 300 મીટર બિગ બોર ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. 2007માં તેમણે મહૂમાં યોજાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં મહારાષ્ટ્રની ટીમ સાથે બ્રોન્ઝ મેડલ પણ જીત્યો હતો. 

‘રેનોન્ડ શોટ’નો ખિતાબ મળ્યો

શૂટિંગમાં તેમના પ્રદર્શનને કારણે નાનાને ‘રેનોન્ડ શોટ’નો ખિતાબ પણ મળ્યો હતો. તેઓ 60ની ઉંમર સુધી સ્ટેટ અને નેશનલ લેવલની શૂટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેતા રહ્યા હતા. ત્યાર બાદ પણ તેઓ શૂટિંગને શોખ તરીકે ચાલુ રાખતા હતા અને દેશની અલગ-અલગ રેન્જમાં પ્રેક્ટિસ કરતા હતા. તેમનો શૂટિંગ સાથેનો સંબંધ માત્ર પોતાની સ્પર્ધા સુધી સીમિત નહોતો. નાનાએ યુવા ભારતીય રાઈફલ શૂટર્સને પણ મદદ કરી હતી. તેઓ ટ્રેનિંગ, એમ્યુનિશન અને સાધનોના ખર્ચમાં મદદ કરતા હતા અને પુણેની બાલેવાડી રેન્જ સહિતની શૂટિંગ રેન્જમાં યુવા ખેલાડીઓને મળતા હતા. 

રમતથી ફિલ્મી પાત્રો સુધી જોડાણ

નાનાની શૂટિંગની તાલીમનો ફાયદો તેમની ફિલ્મી કારકિર્દીમાં પણ જોવા મળ્યો હતો. 1991ની ફિલ્મ ‘પ્રહાર’ માટે તેમણે ભારતીય સેનાની સાથે તાલીમ લીધી હતી. ત્યાર બાદ શૂટિંગ પ્રત્યેનો તેમનો રસ વધુ ગંભીર બન્યો. ફિલ્મોમાં પોલીસ અને અન્ય એક્શન આધારિત પાત્રોને વાસ્તવિક બનાવવામાં આ અનુભવ તેમના માટે ઉપયોગી રહ્યો હતો. 

નાના પાટેકરનું નામ હવે તેમની યાદગાર ફિલ્મો અને દમદાર અભિનય સાથે હંમેશા જોડાયેલું રહેશે, પરંતુ તેમની રમતગમતની આ સફર બતાવે છે કે પડદા પાછળ તેઓ ક્રિકેટ અને શૂટિંગ બંનેને કેટલો પ્રેમ કરતા હતા. ક્રિકેટના મેદાનથી લઈને નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ સુધીનો તેમનો આ પ્રવાસ તેમની વ્યક્તિત્વની એક અલગ જ ઓળખ છોડી જાય છે.

આ પણ વાંચો: Nanapatekar Passed Away : મૃત્યુ પર મને વિશ્વાસ, મરને કે બાદ મેરી તસવીર મત લગાના...નાના પાટેકર