Asian Games 2026: ટોક્યોમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ચીનના 19 વર્ષીય સ્વિમર ઝાંગ ઝાંશુઓએ (Zhang Zhanshuo) ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. શુક્રવારે પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે તેણે એક જ એડિશનમાં કુલ 7 ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યા છે. એશિયન ગેમ્સના 75 વર્ષના ઈતિહાસમાં અત્યાર સુધી કોઈ ખેલાડી એક જ એડિશનમાં 7 ગોલ્ડ જીતી શક્યો નથી. ઝાંગે કુલ 8 ઈવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જેમાંથી 7માં તેણે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

400 મીટર ફ્રીસ્ટાઈલમાં ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ

ટોક્યો એક્વેટિક્સ સેન્ટરમાં ઝાંગ ઝાંશુઓએ પુરુષોની 400 મીટર ફ્રીસ્ટાઈલ રેસ 3 મિનિટ 41.28 સેકન્ડમાં પૂરી કરી અને નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો. તેણે જાપાનના સિલ્વર મેડલ વિજેતા કાઝુશી ઈમાફુકુને 4.27 સેકન્ડના અંતરથી પાછળ રાખ્યો હતો. જીત બાદ ઝાંગ લેન ડિવાઈડર પર બેઠો અને પોતાની આંગળીઓ પર 7 ગોલ્ડ મેડલની સંખ્યા દર્શાવીને અનોખી રીતે ઉજવણી કરી હતી.

અગાઉ રિકાકો ઈકી અને ઝાંગ યુફેઈના નામે હતો રેકોર્ડ

એશિયન ગેમ્સમાં એક જ એડિશનમાં સૌથી વધુ 6 ગોલ્ડ મેડલ જીતવાનો રેકોર્ડ જાપાનની રિકાકો ઈકીના નામે હતો. તેણે 2018માં જકાર્તા એશિયન ગેમ્સમાં 6 ગોલ્ડ જીત્યા હતા. ત્યારબાદ 2023ની હાંગઝૂ એશિયન ગેમ્સમાં ચીનની ઝાંગ યુફેઈએ પણ 6 ગોલ્ડ જીતીને આ રેકોર્ડની બરાબરી કરી હતી. હવે ઝાંગ ઝાંશુઓએ 7 ગોલ્ડ સાથે બંનેને પાછળ છોડી નવો રેકોર્ડ બનાવ્યો છે.

https://twitter.com/timeout_7/status/2103416407124009072

વ્યક્તિગત ઈવેન્ટથી લઈને રિલે સુધી ઝાંગનો દબદબો

ઝાંગ ઝાંશુઓએ અલગ-અલગ અંતરની ફ્રીસ્ટાઈલ સ્પર્ધાઓમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પુરુષોની 200 મીટર, 400 મીટર, 800 મીટર અને 1,500 મીટર ફ્રીસ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઉપરાંત 4x200 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં ચીનની ટીમે 7:00.17ના સમય સાથે અને 4x100 મીટર ફ્રીસ્ટાઈલ રિલેમાં 3:10.60ના સમય સાથે નવા એશિયન રેકોર્ડ બનાવ્યા હતા. અન્ય એક રિલે ગોલ્ડ સાથે ઝાંગે કુલ 3 રિલે ગોલ્ડ પણ જીત્યા હતા.

સ્વિમિંગમાં 30 ગોલ્ડ સાથે ચીન સૌથી આગળ

ઝાંગ ઝાંશુઓના શાનદાર પ્રદર્શનના કારણે ચીને સ્વિમિંગમાં મેડલ ટેલીમાં મોટી લીડ મેળવી છે. શુક્રવારે યોજાયેલી 7 ફાઈનલમાંથી ચીને 5 ગોલ્ડ મેડલ જીત્યા હતા અને તેના કુલ ગોલ્ડ મેડલની સંખ્યા 30 થઈ હતી. જાપાન 7 ગોલ્ડ સાથે બીજા સ્થાને રહ્યું હતું. ચીનની લી બિંગજીએ મહિલાઓની 800 મીટર ફ્રીસ્ટાઈલમાં પોતાનો 5મો ગોલ્ડ જીત્યો હતો, જ્યારે ઝાંગ યુફેઈએ 50 મીટર બટરફ્લાયમાં ચોથો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. 

આ પણ વાંચો: 25 લેપની રેસમાં ગુલવીર સિંહે મચાવ્યો ધમાલ, 10,000 મીટરમાં જીત્યો સિલ્વર