જાપાનના આઈચી-નાગોયામાં એશિયન ગેમ્સ 2026ની શરૂઆત થઈ છે. આ વખતે એશિયન ગેમ્સમાં એક અનોખી વ્યવસ્થા જોવા મળી રહી છે.એશિયન ગેમ્સના ઈતિહાસમાં પહેલી વખત અલગ એથ્લેટ્સ વિલેજ બનાવવામાં આવ્યું નથી. તેના બદલે ખેલાડીઓ અને અધિકારીઓ માટે હોટેલ, અસ્થાયી રહેઠાણ અને ક્રૂઝ શિપનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આ વ્યવસ્થામાં ઇટાલિયન ક્રૂઝ શિપ 'કોસ્ટા સેરેના' ખાસ ચર્ચામાં છે. આ જહાજ નાગોયાના કિન્જો પિયર પર રોકાયું છે અને તેમાં હજારો ખેલાડીઓ તથા અધિકારીઓ માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણોમાં ખર્ચ ઘટાડવો અને ઉપલબ્ધ જગ્યાનો વ્યવહારુ ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.
ક્રૂઝ શિપમાં કેટલા લોકો રહી શકે?
ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાની માહિતી અનુસાર 'કોસ્ટા સેરેના'નું કુલ ગ્રોસ ટનેજ લગભગ 114,000 ટન છે અને તેની લંબાઈ 290.2 મીટર છે. ક્રૂઝ શિપમાં લગભગ 1,500 કેબિન છે.આ જહાજમાં એક સાથે મોટી સંખ્યામાં ખેલાડીઓ અને અધિકારીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વિવિધ રમતોની સ્પર્ધાઓ પૂર્ણ થતી જાય તેમ ખેલાડીઓની અવરજવર પણ થતી રહેશે.
એથ્લેટ્સ વિલેજ કેમ બનાવાયું નથી?
આ વખતે અલગ એથ્લેટ્સ વિલેજ ન બનાવવાનો એક મોટો મુદ્દો ખર્ચ સાથે જોડાયેલો છે. જાપાને 2020 ટોક્યો ઓલિમ્પિક્સના આયોજન પાછળ અંદાજે 13 અબજ ડોલર ખર્ચ્યા હતા.આ ઓલિમ્પિક્સ કોરોના મહામારીના કારણે એક વર્ષ માટે મુલતવી પણ રાખવામાં આવ્યા હતા.આ અનુભવ બાદ એશિયન ગેમ્સના આયોજનમાં ખર્ચ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. તેથી એક વિશાળ એથ્લેટ્સ વિલેજ બનાવવાને બદલે પહેલેથી ઉપલબ્ધ હોટેલ, અસ્થાયી રહેઠાણ અને ક્રૂઝ શિપનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેલાડીઓએ રહેવાની વ્યવસ્થા અંગે ફરિયાદો કરી
જોકે, આ વ્યવસ્થાને લઈને કેટલાક દેશોના ખેલાડીઓ તરફથી ફરિયાદો પણ સામે આવી છે. કેટલાક બાસ્કેટબોલ ખેલાડીઓએ બેડના કદ અંગે ફરિયાદ કરી હોવાનું જણાવાયું છે. ભારે વરસાદ બાદ કેટલાક ખેલાડીઓને તેમના રહેઠાણમાંથી અન્યત્ર ખસેડવાની જરૂર પણ પડી હતી.આ કારણે રમત શરૂ થાય તે પહેલાં જ ખેલાડીઓના રહેવા અને અન્ય વ્યવસ્થાઓ અંગે ચર્ચા શરૂ થઈ હતી.
ભારતે પણ તૈયાર કરી વૈકલ્પિક વ્યવસ્થા
નાગોયામાં ભારતીય ખેલાડીઓને રહેવા અથવા પરિવહન સંબંધિત મુશ્કેલી ન પડે તે માટે ભારતના યુવા બાબતો અને રમત મંત્રાલયે ત્રણ સ્તરની વ્યવસ્થા તૈયાર કરી છે.મીડિયા રિપોર્ટ અનુસાર ભારતીય સમુદાયના લગભગ બે હજારલોકો જરૂર પડ્યે ભારતીય ખેલાડીઓને રહેવાની જગ્યા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.આ વ્યવસ્થાનો હેતુ કોઈ ખેલાડીને રહેઠાણની સમસ્યાનો સામનો કરવો પડે તો ઝડપથી વિકલ્પ ઉપલબ્ધ કરાવવાનો છે.ભારતીય અધિકારીઓ અને સમુદાયના સભ્યોને એરપોર્ટ અને સ્વાગત કેન્દ્ર સહિત વિવિધ સ્થળોએ જવાબદારી સોંપવામાં આવી છે. ભારતના 'શેફ ડી મિશન' સહદેવ યાદવ અને SAIના અધિકારીઓ પણ વ્યવસ્થાની દેખરેખ રાખી રહ્યા છે.
મંત્રીએ IOA પ્રમુખ સાથે કરી મુલાકાત
રમત મંત્રી મનસુખ માંડવિયાએ નાગોયામાં ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષા સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ભારતીય ખેલાડીઓને નાગોયા પહોંચ્યા બાદ રહેઠાણ સહિતની કેટલીક મુશ્કેલીઓ અંગે ચર્ચા થઈ હતી.ભારતના શેફ ડી મિશન સહદેવ યાદવે પણ રહેઠાણ, એક્રેડિટેશન અને પરિવહન સંબંધિત શરૂઆતની સમસ્યાઓ અંગે માહિતી આપી હતી. જોકે, ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ખેલાડીઓની જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.આમ, એશિયન ગેમ્સ 2026માં એથ્લેટ્સ વિલેજના બદલે ક્રૂઝ શિપ, હોટેલ અને અસ્થાયી રહેઠાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ અનોખી વ્યવસ્થાનો મુખ્ય હેતુ ખર્ચ અને ઉપલબ્ધ માળખાનો વધુ અસરકારક ઉપયોગ કરવાનો છે.
આ પણ વાંચો - Asian Games 2026: સુચિકા તરિયાલે ભારતને અપાવ્યો પહેલો મેડલ, કોણ છે આ ખેલાડી?