જાપાનમાં યોજાઈ રહેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતીય ટ્રેક એન્ડ ફિલ્ડ માટે વધુ એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે. મહિલાઓની પોલ વોલ્ટ સ્પર્ધામાં તમિલનાડુની 25 વર્ષની એથ્લેટ બરાનિકા એલંગોવને 4.15 મીટરની ઊંચાઈ પાર કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે એશિયન ગેમ્સના ઇતિહાસમાં પુરુષો કે મહિલાઓની કોઈપણ કેટેગરીમાં પોલ વોલ્ટમાં ભારતનો આ પ્રથમ મેડલ બની ગયો છે.બરાનિકા અને પોલિના ઇવાનોવાએ બંનેએ 4.15 મીટરની ઊંચાઈ પાર કરી હતી. જોકે, બંને ખેલાડીઓ 4.25 મીટરની ઊંચાઈ પાર કરવામાં સફળ રહી નહોતી. પરિણામે બંનેને સંયુક્ત રીતે બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો.

સ્પ્રિન્ટરથી પોલ વોલ્ટર બનવાની સફર

તમિલનાડુના મયિલાદુથુરાઈ નજીક આવેલા કુથલમ ગામની બરાનિકા સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પિતા એલંગોવન ખેડૂત છે. શાળાનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ બરાનિકાએ એથ્લેટિક્સમાં પગ મૂક્યો હતો.શરૂઆતમાં તે સ્પ્રિન્ટ અને લોંગ જમ્પ જેવી રમતોમાં ભાગ લેતી હતી. ત્યારબાદ ચેન્નાઈની એથિરાજ કોલેજમાં ગ્રેજ્યુએશન દરમિયાન પધુમાઈ પેન ફાઉન્ડેશન પોલ વોલ્ટ માટે ખેલાડીઓની પસંદગી કરી રહ્યું હતું. આ દરમિયાન બરાનિકાની પસંદગી થઈ અને કોચ મિલબર બર્ટ્રેન્ડ રસેલની દેખરેખ હેઠળ તેણે પોલ વોલ્ટની તાલીમ શરૂ કરી.ત્યારબાદ MOP વૈષ્ણવ કોલેજમાંથી માસ્ટર્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોચ માર્ટિન ઓવેન્સની સલાહથી ડિસેમ્બર 2022માં તે ઓડિશા સ્થિત રિલાયન્સ ફાઉન્ડેશન એથ્લેટિક્સ હાઈ પરફોર્મન્સ સેન્ટર સાથે જોડાઈ. અહીં તેની તાલીમને વધુ આંતરરાષ્ટ્રીય સ્તરની દિશા મળી.

https://x.com/mansukhmandviya/status/2103490345543823843?s=20

હાંગઝોઉમાંથી બહાર થવાનું દુઃખ

બરાનિકાની કારકિર્દીમાં સફળતા સાથે નિરાશાના તબક્કા પણ આવ્યા છે.2018માં ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી સ્તરે 3.80 મીટરનો મીટ રેકોર્ડ બનાવ્યા બાદ તેણે 2023માં ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ-4માં 4.10 મીટરની છલાંગ લગાવીને આંતરરાષ્ટ્રીય ધોરણ હાંસલ કર્યું હતું.જોકે, ભુવનેશ્વર ઇન્ટર-સ્ટેટ મીટમાં 3.80 મીટર સુધી જ કૂદી શકવાને કારણે તે હાંગઝોઉ એશિયન ગેમ્સની ટીમમાં સ્થાન મેળવી શકી નહોતી.આ નિરાશા બાદ બરાનિકાએ પોતાની તાલીમ પર વધુ ધ્યાન આપ્યું.

2026માં શાનદાર વાપસી

2026નું વર્ષ બરાનિકા માટે ખાસ રહ્યું છે.માર્ચમાં ભુવનેશ્વરમાં યોજાયેલી નેશનલ ઇન્ડોર ચેમ્પિયનશિપમાં તેણે 4.22 મીટરની છલાંગ લગાવીને પોતાનું પ્રથમ ઇન્ડોર નેશનલ ટાઇટલ જીત્યું હતું.આ સાથે તેણે રોઝી મીના પોલરાજનો નેશનલ રેકોર્ડ પણ તોડ્યો હતો.ત્યારબાદ મે 2026માં કલિંગા સ્ટેડિયમમાં તેણે પોતાનો જ રેકોર્ડ સુધારીને 4.23 મીટર કર્યો હતો.આ ઉપરાંત ચેન્નાઈમાં ઈન્ડિયન ઓપન અને રાંચીમાં 29મી નેશનલ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4.10 મીટરની છલાંગ સાથે તેણે 2 ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા.હવે નાગોયામાં 4.15 મીટરની છલાંગ લગાવીને એશિયન ગેમ્સના પોડિયમ પર પહોંચેલી બરાનિકાએ ભારતીય એથ્લેટિક્સમાં નવો ઇતિહાસ રચ્યો છે.આ મેડલ તેની વર્ષોની મહેનત,શિસ્ત અને સતત સંઘર્ષનું પરિણામ છે.

આ પણ વાંચો - Asian Games 2026 Medal Tally : ભારતના ખાતામાં 26 મેડલ,જાણો મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને