આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતે પોતાના મેડલ અભિયાનની શરૂઆત કરી દીધી છે. મહિલા 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારતીય શૂટર્સ ઈલાવેનિલ વાલારિવન, સોનમ મસ્કર અને વિદર્ષા વિનોદની ત્રિપુટીએ સિલ્વર મેડલ જીતીને ભારતનું ખાતું ખોલ્યું છે.ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતાં કુલ 1898 પોઈન્ટ મેળવ્યા અને બીજા સ્થાને રહી. ચીનની ટીમે ભારત કરતાં વધુ પોઈન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. આ સાથે ભારતીય શૂટિંગ ટીમે એશિયન ગેમ્સમાં ભારતના મેડલ અભિયાનની શરૂઆત કરી છે.
ઈલાવેનિલ અને સોનમે વ્યક્તિગત ફાઇનલમાં પણ સ્થાન મેળવ્યું
મહિલા 10 મીટર એર રાઈફલમાં ઈલાવેનિલ વાલારિવને શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે 633.5 પોઈન્ટ મેળવ્યા અને વ્યક્તિગત ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. સોનમ મસ્કરે પણ શાનદાર શૂટિંગ કરીને વ્યક્તિગત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.ભારતીય ટીમ માટે આ પ્રદર્શન મહત્વપૂર્ણ છે, કારણ કે ટીમ ઈવેન્ટમાં મેડલ જીત્યા બાદ હવે વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ભારતની મેડલની આશા જીવંત છે.
ઈલાવેનિલ વાલારિવનનું ગુજરાત સાથે ખાસ જોડાણ
ઈલાવેનિલ વાલારિવનનું ગુજરાત સાથે પણ ખાસ જોડાણ છે. તેમની માતા સરોજા વાલારિવન આણંદની એક કોલેજમાં પ્રોફેસર તરીકે કાર્યરત રહી ચૂક્યાં છે.ત્યારબાદ તેમણે અમદાવાદની એક કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે પણ જવાબદારી સંભાળી હતી.ઈલાવેનિલનો ભાઈ ભારતીય સેનામાં સેવા આપે છે. રમતગમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહેલી ઈલાવેનિલે પોતાની શાનદાર કારકિર્દીમાં અનેક આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું નામ રોશન કર્યું છે.
https://x.com/Media_SAI/status/2101536662681739275?s=20
સુચિકા તારિયાલે પણ મેડલ પાક્કો કર્યો
ભારત માટે મિક્સ્ડ માર્શલ આર્ટ્સમાં પણ સારા સમાચાર આવ્યા છે. 36 વર્ષની સુચિકા તારિયાલે મહિલાઓની ટ્રેડિશનલ 60 કિલો કેટેગરીમાં ક્વાર્ટરફાઇનલ જીતીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે.સુચિકાએ ક્વાર્ટરફાઇનલમાં મંગોલિયાની અલ્તાનચિમેગ બૈગલમાને હરાવી હતી. આ જીત સાથે તેમણે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે MMAનો ઓછામાં ઓછો બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. હવે સુચિકા સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યા બાદ વધુ સારા મેડલ માટે મેદાનમાં ઉતરશે.
મહિલા હોકી ટીમનો ધમાકેદાર વિજય
ભારતીય મહિલા હોકી ટીમે પણ એશિયન ગેમ્સમાં પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી છે. પૂલ Bની પ્રથમ મેચમાં ભારતે ઉઝબેકિસ્તાનને 19-0ના વિશાળ અંતરથી હરાવ્યું.ભારત તરફથી દીપિકાએ એકલા 8 ગોલ કર્યા અને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી. ભારતની અન્ય ખેલાડીઓએ પણ ગોલ કરીને ટીમને મોટી જીત અપાવી.આ જીતથી ભારતીય મહિલા હોકી ટીમે એશિયન ગેમ્સમાં પોતાના મજબૂત ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. શૂટિંગમાં સિલ્વર મેડલ અને MMAમાં મેડલ નિશ્ચિત થયા બાદ મહિલા હોકીની મોટી જીતે પણ ભારતીય ચાહકોનો ઉત્સાહ વધાર્યો છે.એશિયન ગેમ્સ 2026માં ભારત માટે શરૂઆતનો દિવસ મેડલ અને શાનદાર પ્રદર્શનથી ભરેલો રહ્યો છે. હવે ભારતીય ખેલાડીઓ પાસેથી આગામી મુકાબલાઓમાં વધુ મેડલની અપેક્ષા રહેશે.
આ પણ વાંચો - Asian Games 2026 : 36 વર્ષની સુચિકા તારિયાલે રચ્યો ઈતિહાસ, વર્લ્ડ ચેમ્પિયનને હરાવી બ્રોન્ઝ મેડલ જીતી